
ક્ષિતિજની ખરલમાં સાંજ ધુંટાતી હતી. ઉભરતા રતુંબડા રંગે રંગાય રંગાયને આથમણુ આભ અધતું હતું, તરલા, ચપલા અને રસઘેલી રમણિના રમતિયાળ લોચન જેવા તારા નભને શોભાવવા તેજ ધારણ કરી રહ્યા હતા. સાગરના ઉછળતા મોજાને સ્પર્શીને સમિર મુંબઈ નગરીે શિતળતા અર્પિ રહ્યો છે. એવે વખતે પોતાની તસ્વીર ખેંચાવવા છબીકાર દેવારે તે ધ્વારે જઈને ખડી રહી. વીસ વર્ષની સૌંદર્યસભર કમનિય કાયા પર પરિધાન કરેલી સાડીના પાલવ પર ઝરીઅન વેલ બુટ્ટા ઉભરી રહ્યા છે. આસમાની સાડીમાંથી એનું ગૌર બદન પોતાનુ અનુપમ સૌંદર્ય છલ્લોછલ છલકાવી રહ્યુ છે. વાંકડિયા વાળની ઘેરી ઘટ્ટા નીચે કર્ણફૂલ ઝૂલી રહ્યા છે. કોકિલ કંઠે અત્તરો પાયેલી શ્વેત મોતીની માળા એકમેકને શોભાવી રહ્યા છે! યૌવન ફાલે લચી પડેલી આ લાવણ્યવતીને પોતાની તસ્વીર ખેંચાવવાનો અજબ-ગજબનો શોખ છે તેથી અવાર નવાર તે મેસર્સ દેવારે એન્ડ કાુ.ના માલીક તસ્વીરકાર નારાયણ દેવારે પાસે આવતી રહે છે! પ્રસ્તાવ મુકાયો ને સ્વિકારાયો, ભવનાનીઓ તેને ‘વીરબાળા’ ચલચિત્રની એક ભૂમિકા આપી ને પંદર દિવસ શુટીંગના વળતર રૂપિયો દોઢસો નક્કી કર્યા. આમ ઈ.સ. ૧૯૨૫ના મુંગી ફિલ્મના યુગમાં રૂબી માયર્સ નો સિનેમા ક્ષેત્રે પ્રવેશ થયો. પોતાની ભૂમિકામાં તદ્રુપ્ત થઈ અભિનયના અદ્ભૂત ચકરા વેર્યા તેનું સૌંદર્ય તેનું સહાયક બન્યું. બીજી ફિલ્મ ‘સિનેમાની રાણી’માં મહિને રૂપિયા બસો પચાસના પગારે કોહિનૂરે તેને રોકી લીધી. એક ફિલ્મમાં તેને રડવાનું દ્રશ્ય આપવાનું હતું પણ ઘણા પ્રયત્નો છતાં તે રડી શકી નહી ત્યારે દિગ્દર્શકે તેને કહ્યું ઃ તમારા કોઈ આપ્તજનના મૃત્યુને યાદ કરો રડવું આવશે. તેમાં પણ તે નિષ્ફળ રહી ત્યારે તેની આંખમાં સંતરાની છાલ નીચોવવામાં આવી અને આંસુનું દ્રશ્ય પુરુ કરવામાં આવેલું ત્યારે છબીકલા સંભાળતા જોશીએ એની અતિ સુંદર આંખોને કચકડે મઢી ત્યારે તેમણે તેને ‘સુલોચના’ તરીકે સંબોધી તે પછીથી તો નારાયણ દેવારે કાયમી ગ્રાહકને આદરસહ હંમેશા આવકાર આપે છે. કિશોરીમાંથી યૌવનના પગથારે પ્રવેશ કરી ચૂકેલી આ સૌંદર્ય સામ્રાજ્ઞીના કંઠમાં કુદરતે મીઠાશ મુકેલી છે એ ગીતો ગણગણે છે ને એમના યુગમાં જોયેલા મુંગી ફિલ્મોના અભિનયની એકલી એકલી નકલ કરે છે. ટેલીફોન કંપનીમાં એ ટાઈપીસ્ટ તરીકે નોકરી કરી પોતાની ભાવિ કારકિર્દીના કીર્તિકાંગરા મનોમન ચણે છે. સ્વકલ્પનાના સ્વપન ગણે છે. યહુદી કુળમાં પુના ખાતે જન્મેલી આ રૂપાંગનાનું નામ છે ‘રૂબીમાયર્સ’. આ ‘રૂબી માયર્સ’ને લોકભાષાનો અલંકાર આપી શકાય કે તે રૂપરૂપનો અંબાર છે. ગવારે તસ્વીર ખેંચી વિદાય લેવાની તૈયારી કરે છે તે જ વખતે નારાયણ ગવારેના મિત્ર ભવનાનીએ પ્રવેશ કર્યો કે તરત જ ગવારે એ રૂબી માયસનો પરિચય કરાવ્યો. કોહિનુર ફિલ્મ કંપનીના દિગ્દર્શકની દ્રષ્ટિમાં આ યુવતિ સિને તારિકા તરીકે છપાઈ ગઈ ને તુરત જ પોતાને ‘સુલોચના’ તરીકે ઓળખાવા લાગી. કોહિનુર કંપનીમાં નવ મહિના કામ કર્યા પછી તે ઓરિયન્ટ પિક્ચર કોર્પોરેશનમાં કવિવર રવિન્દ્રનાથ ટાગોરની ‘બલીદાન’ ફિલ્મમાં કામ કરવા જોડાઈ. ‘બલીદાન’નું કામ પુર્ણ કરી તે ઈમ્પીરયલ કંપનીમાં પ્રવેશ પામી ‘પંજાબ મેલ’ અનારકલી, માઘુરીમાં કામ કરી દર્શકોના દીલ જીતી લીધા. ઉપરોક્ત કંપનીમાં ‘ખૂદા કી શાન’માં ભૂમિકા ભજવ્યા પછી ખટરાગ થતાં રણજિત ફિલ્મ કંપનીમાં ગઈ. ‘નૂરેઆલમ’ ચિત્રમાં અભિનય કળા આબેહૂબ રીતે રજુ થતા તેની કીર્તિ ચોગરદમ પથરાઈ ગઈ હતી. તે પછી આ અભિનેત્રીએ મહારાષ્ટ્ર ફિલ્મ કંપનીના ચિત્ર ‘રાણી રૂપમતી’માં કામ કર્યું હતું. અંદાજે તેમણે ત્રીસ જેટલી મુંગી ફિલ્મોમાં કલા કૌશલ્ય દાખવ્યું હતું. તેમાંથી તેમની શ્રેષ્ઠ અભિનયના થોડા ચિત્રો વીણીશું. જેમાં ‘સિનેમાની રાણી’ ‘કિસ્મત’ ‘માઘુરી’ ‘હીર-રાંઝા’ ‘અનારકલી’ ‘પાગલ પ્રેમી’ અને ‘નસીબની લીલા’. ‘માઘુરી’ અને ‘અનારકલી’ બે ફિલ્મોમાં તે પુરબહારમાં ખીલી ઉઠી હતી જેના પર પ્રેક્ષકો આફરીન પોકારી ઉઠતા હતા તે બન્ને ફિલ્મો ઈંગ્લેન્ડમાં રજુઆત પામી હતી ને ત્યાંની સિને રસિકજનોના દિલને ડોલાવી દીધા હતાં. મુંગી ફિલ્મનો યુગ આથમ્યોને બોલતી ફિલ્મના યુગનો ઉદય થયો. સુલોચનાને ઈમ્પીરીયલ કંપનીનું આમંત્રણ મળ્યું. તેનો તેણીએ સ્વિકાર કર્યો. ‘માઘુરી’ નામે બોલતી ફિલ્મમાં માઘુરી તરીકે હૃદયસ્પર્શી ભાવનાથી ભરપુર આદીથી અંત સુધી કરૂણરસની નદીઓ વહેવડાવી પ્રેક્ષકોને અશ્રુપૂર્ણ નેત્રોએ દ્રવીભૂત બનાવી દીધા હતા. કોકિલ કંઠ કાયાના કામણ અભિભૂત કરનારી અભિનય કળા અને સુંદર અતિસુંદર લોચન શુઘ્ધ શબ્દોના સંવાદો તેની સફળતાના સાથી હતાં. પરંતુ મુંગી ફિલ્મોમાં તેની સાથે હીરો તરીકે કામ કરનાર કલાકારો ગણ્યા ગાંઠ્યા હતા પણ બોલતી ફિલ્મમાં તેની બરોબરીના હીરો કલાકારનો અભાવ હતો. નમણી નાગરવેલ જેવી આ તારીકાએ જીવના જોખમે પણ અભિનય આપ્યો હતો. ‘માઘુરી’ના શુટીંગ વખતે કુવામાં ડૂબી જવાની તૈયારીમાં હતી ત્યારે જમશેદજીએ તેને ઉગારી હતી. ‘ખ્વાબે હસ્તી’ નામના ચિત્રપટ સમયે ‘બીલીમોરીઆ’ નામના હીરોના હાથમાંથી તલવાર છટકી ગઈ હતી. સુલોચનાના પગમાં પેસી ગઈ હતી. ‘ખુદા કી શાન’ ચિત્રના શુટીંગમાં આગના સી નસમયે દાઝી ગઈ હતી. તે સમયે ‘સુલોચના’ મહિને રૂપિયા પીસતાલીસસોનો પગાર મેળવનાર એકમાત્ર અભિનેત્રી હતી. નોંધ ઃ સુલોચનાનો જન્મ ૯, ઓગસ્ટ ૧૯૦૫ના રોજ થયો હતો. તેની સિનેતારીકા તરીકેની કારકિર્દી ઈ.સ. ૧૯૨૫ના વર્ષમાં મુંગી ફિલ્મોથી થઈ હતી. તણખો પલોંઠી વાળીને પાઠ કરવાથી ધાર્મિક થવાતું નથી. કૂડ, કપટ, વિશ્વાસઘાત, દગા, છેતરપીંડી વગેરે દુષણ રહિત જીવન જીવવાથી ધાર્મિક થવાય છે. અન્યથા અખાની વાણી જેવું થઈને ઉભુ રહે ઃ કથા સુણી સુણી ફૂટ્યા કાન તોય અખા ન આવ્યું બ્રહ્મજ્ઞાન
|