સ્પાર્ક - વત્સલ વસાણી
એ જ નગરમાં એક નામચીન ચોર પણ રહેતો હતો. એક દિવસ પોતાના પુત્રને બોલાવી એણે શિખામણ આપી કે એક વાત ખાસ ખ્યાલમાં રાખજેઃ આપણા નગરમાં મહાવીર નામના એક મુનિ આવેલ છે. તું એના વિચાર સાંભળવા ન જતો. આપણો અને એનો ધંધાની બાબતમાં કાયમ વિરોધ છે, આથી ભૂલે -ચૂકેય જો તું એ રસ્તેથી નીકળે કે જ્યાં મહાવીર બોલતા હોય, તો તરત જ તું તારા કાન બંધ કરી લેજે અને જલદીથી દૂર નીકળી જજે. કેમ કે એ ખતરનાક માણસ છે. એની વાતો જ એવી છે કે એ સાંભળીને વ્યક્તિ સંસાર પ્રત્યે ઉદાસ થઇ જાય. જીવનમાંથી રસ ગુમાવી દે અને એનું મન ડગમગી જાય. નગરના અનેક યુવાનો એમની ઝાળમાં ફસાયા છે. આથી તું તો આ ઝંઝટમાં પડતો નહી.
પિતા તરફથી મનાઇ થવાથી દીકરો મહાવીરને જોવા કે એમના પ્રવચન સાંભળવા જતો ન હતો. પણ નગરમાં ચાલતી ચર્ચા અને પિતાએ કરેલી મનાઇના કારણે એના મનમાં ક્યારેક મહાવીર વિશે વિચાર આવી જતાં. 'કોઇ લૂટારો હોય તો ઠીક, લોકો એનાથી ડરે, ખૂંખાર ડાકુ હોય તો પણ એનાથી દૂર ભાગે. પણ આ તો એક સાધુ છે. એની પાસે કોઇ શસ્ત્ર કે ભયજનક વસ્તુ પણ નથી અને તો પણ પિતા શા માટે એનાથી દૂર રહેવાનું કહેતા હશે ? એવું તો એની વાણીમાં શું હશે કે લોકો ઘરબાર, ધંધોરોજગાર છોડીને એની પાછળ ચાલવા તૈયાર થઇ જાય છે ?'
સતત સાવધાની છતાં એકવાર અચાનક જ્યાં ભગવાન મહાવીરના પ્રવચન ચાલતાં હતાં તે રસ્તેથી એને નીકળવાનું થયું. ખ્યાલ આવતાં જ એ ભાગવા ગયો. પણ ભાગતા ભાગતા એક વાક્ય એના કાનમાં પડી ગયું. મહાવીર દેવયોનિ અને પ્રેતયોનિ વિશે વાત કરતા હતા. દેવયોનિની વિશેષતા સમજાવતા હતા ત્યારે જ આ ચોરપુત્ર ત્યાંથી પસાર થયો. મહાવીરે કહ્યું કે સામાન્ય માણસના શરીરનો કાયમ પડછાયો પડે છે પણ દેવયોનિમાં એ વિશેષતા હોય છે કે એમના શરીરની છાયા બનતી નથી. બસ આટલું જ વાક્ય એના કાનમાં પડયું અને એ ત્યાંથી નીકળી ગયો.
આ બાજુ સમ્રાટ અને એનું તંત્ર આ મહાચોર તથા એના પુત્રથી ખૂબ પરેશાન હતું. બાપ તો બુઢ્ઢો થઇ ગયેલો એટલે એ ખાસ ચોરી કરવા જતો ન હતો. પણ દીકરો એટલો કાબેલ થઇ ગયેલો કે બાપથી સવાયો બનીને ચોરી કરતો હતો. કોઇ એને પકડી શકતું ન હતું અને એની વિરુદ્ધમાં કોઇ જુબાની, પુરાવો કે સાબિતી પણ મળતી ન હતી. આથી વજીરે એક મનોવૈજ્ઞાાનિક ઉપાય શોધી કાઢ્યો. લાગતા વળગતા કોઇકને ત્યાં એને જમવા બોલાવ્યો અને ત્યાં એને ખૂબ જ દારૃ પાવામાં આવ્યો. દારૃ એટલો બધો પાઇ દીધો કે નશામાં ને નશામાં એ લગભગ બેહોશ બની ગયો. બેભાન હાલતમાં જ ઉઠાવીને એને રાજમહેલમાં લઇ આવ્યા અને ત્યાં એને એક એવા ખંડમાં રાખવામાં આવ્યો જે સ્વર્ગીય વાતાવરણથી વિભૂષિત હતો. રંગબેરંગી ફૂવારા, ફૂલોની સજાવટ, રૃપરૃપના અંબાર જેવી અપ્સરાઓ, સુંદર મજાની રેશમી શય્યા. જિંદગીમાં ક્યારેય ન જોયું હોય એવું રંગીન અને સુગંધી એ ખંડનું વાતાવરણ હતું. થોડી વારે નશાનું પ્રમાણ ઘટયુ એટલે એ જરા હોશમાં આવ્યો. બધું ધૂંધળું ધૂંધળું દેખાતું હતું. ધીમી રોશની, ધીમું સંગીત, મીઠી સુગંધ અને માદક વાતાવરણ ! એણે નજીકમાં જ ઊભેલી એક રૃપસુંદરીને પૂછ્યું કે હું ક્યાં છું ? મને અહીં કોણ લઇ આવ્યું ?.. સુંદરીએ કહ્યું કે આપ જોઇને જ સમજી શકો છો કે અત્યારે આપ ક્યાં છો ? આપ સ્વર્ગમાં આવી ગયા છો.
વજીર દ્વારા કરવામાં આવેલી આ વ્યવસ્થા હતી. આ રીતનું વાતાવરણ ઊભૂં કરીને એ ચોરને ફસાવવા માગતા હતા. અને નશામાં જ એની પાસેથી બધું જાણી લેવા માગતા હતા. બાજુમાં ઊભેલી બીજી સુંદરીએ કહ્યું કે અત્યારે આપ સ્વર્ગના પ્રવેશદ્વાર પર છો. આગળ જવા માટે અહીં આપણે આપણા કર્મોની નોંધ કરાવવી પડે છે. જે કંઇ સારાનરસા કૃત્યો કર્યા હોય તેની સ્વીકારોક્તિ અહી આપણે કરવી પડે છે. પરમાત્મા મહા કરૃણાવાન છે. સાચું બોલનારને એ ક્ષમા આપે છે અને સ્વર્ગીય સુખો માટે એને હકદાર લેખે છે. પ્રવેશદ્વાર પર જો આટલું સુંદર વાતાવરણ હોય તો અંદર એનાથી અનેક ગણુ સારું ને મદહોશ કરનારું વાતાવરણ હશે. રૃપરૃપના અંબાર જેવી અનેક સુંદરીઓ આપની તહેનાતમાં હાજર હશે અને એ તમામને ભોગવવાની આપને પૂરી સત્તા અને સ્વતંત્રતા પણ હશે.
ચોર તો લલચાઇ ગયો. આટલું સુખ અને આટલી સુંદરતા એણે કદી કલ્પી પણ ન હતી. આ બધી જ રૃપસુંદરીઓ પોતાની થશે ? એની સાથે જિંદગીના તમામ સુખો માણી શકાશે ? અને એ બધું લખાવવાની તૈયારીમાં હતો ત્યાં જ એને મહાવીરનું પેલું વચન યાદ આવી ગયું કે દેવલોકમાં રહેતી અપ્સરાઓ કે દેવી પુરુષોનો કદી પડછાયો પડતો નથી. અને અહી એણે જોયું કે આવા ઝાકળઝંઝાળની વચ્ચેય એમના પડછાયા તો પડતા જ હતાં. અચાનક એ સાવધાન થઇ ગયો. એને સમજાઇ ગયું કે આમાં કશુંક કાવતરું છે. પોતાને ફસાવવા જ આ બધું ગોઠવાયું લાગે છે. એને જમ્યા બાદ કરેલું મદ્યપાન અને એ પછીનુ વાતાવરણ બધું જ યાદ આવવા લાગ્યું. હવે એણે પોતે પણ નવી ચાલ શરૃ કરી. અપ્સરાઓને એણે કહ્યું કે જરૃર ચાલો, હું બધુ લખાવી દઉં અને પોતે કદી નહી કરેલા પુણ્યોનું લાંબુ લિસ્ટ લખાવવા લાગ્યો. કેટલી ધર્મશાળાઓ બનાવી, કેટલા દેવાલય બાંધ્યા, કેટકેટલા લોકોને દાનપુણ્ય આપ્યું. લોકોમાં વાહ વાહ થઇ ઊઠે એટલી જગ્યાએ એણે કેવા કેવા કર્મો કર્યા આ બધુ જ એણે લખાવી દીધું. પણ કરેલા પાપકર્મો કે ચોરી વિશે એણે કશું જ લખાવ્યું નહી.
આખરે એ ત્યાંથી છૂટી ગયો. છૂટીને સીધો જ પિતાની પાસે પહોચ્યો અને બધી વાત કરી કે કેવી તરકીબ કરીને એને ફસાવવામાં આવેલો અને એ ફસાવાનો હતો ત્યાં અચાનક સંભળાઇ ગયેલા મહાવીરના પેલા વચને એને કેવી રીતે બચાવ્યો. જે માણસના એક વચનમાં આટલી શક્તિ હોય તેના સંપૂર્ણ પ્રવચન અને નિત્ય ચાલતા સત્સંગનો તો કેટલો મોટો પ્રભાવ હશે ? આજે એણે મને આ ષડ્યંત્રમાંથી બચાવ્યો તો કાલે એ મને કોઇ મોટા દુષ્ચક્રમાંથી પણ બચાવી શકશે.
પિતાની મનાઇ છતાં એ ભગવાન મહાવીરના ચરણમાં પહોંચી ગયો અને દીક્ષિત થયો. ભગવાનના એક ઉત્તમ શિષ્ય તરીકે એ પછી એણે ઘણું તપ અને કામ પણ કર્યું.
ઓશો કહે છેઃ સદ્ગુરુના સાન્તિધ્યનું અને એની સાથેના સત્સંગનું આથી જ આટલું બધું મહત્ત્વ છે. સત્સંગ કરતાં કરતાં જ સત્યની અનુભૂતિ થતાં વાર લાગતી નથી. ચોર તો શું મહાચોર અને મહાપાપી પણ પરમાત્માના પ્રેમનો હકદાર છે અને પરમાત્માની કૃપા થતાં જ આવી અધમ ગણાતી વ્યક્તિને પણ જાગવામાં કશી વાર લાગતી નથી.
ક્રાન્તિબીજ:
ટોળાની સાથે ચાલવું કે તેનાથી જુદા પડવું, એ નક્કી કરતી વખતે માણસની વિવેકશક્તિનો ક્યાસ નીકળી આવે છે.
- એક ચીની કહેવત