20130317

ડાયાબીટીસમાં દવા વગર ચાલે ? તમે શું માનો છો ? .


તમને ડાયાબીટીસ હોય કે ન હોય, આ જરુર વાંચો ...
–લતા હીરાણી

blood sugar


ડાયાબીટીસમાં દવા વગર ચાલે ? તમે શું માનો છો ? તમારો જવાબ હા હોય કે ના, આ લેખ જરુર વાંચો.
ક્યાંક વાંચેલું કે ‘આપણે જે ખાઈએ છીએ એમાંથી એક ભાગ આપણા પોષણ માટે છે, બાકીના બે ભાગ પર ડૉકટરો જીવે છે.’ આપણને જ્યારે પણ કંઈ તકલીફ થાય ને ડૉકટર પાસે જવાનું થાય. ત્યાં મોટે ભાગે આવો જ સંવાદ થાય :
‘‘ચીન્તા ન કરો, આ દવા સવાર, બપોર, સાંજ લેજો. સારું થઈ જશે.’’
‘‘અને ખાવા-પીવામાં ?’’ ‘‘સાદો ખોરાક લેવાનો. નોર્મલ જે ખાતા હો એ ખાવાનું. વાંધો નથી.’’
આ ખોરાક ગરમ પડે કે આનાથી વાયુ થાય કે આ ચીજ ઠંડી પડે અથવા તો આ વીરુદ્ધ–આહાર થાય એટલે ન ખવાય એવી પરેજી જે આયુર્વેદ બતાવે છે, એ બાબતને એલોપથી સાથે એટલો નાતો નથી. વધુમાં વધુ સાદો ખોરાક, હળવો ખોરાક લેવો અને ભારે ખોરાક ન ખાવો એટલી સુચના હોઈ શકે. એ સાયન્સ જુદું જ છે.


અલબત્ત, એલોપથી વીજ્ઞાને માનવજાતની જે સેવા કરી છે એ અમુલ્ય છે. એ નીર્વીવાદ છે કે બાળમરણનું પ્રમાણ ઘણું ઘટ્યું છે, સુવાવડમાં મૃત્યુ પામતી સ્ત્રીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. માનવીનું સરેરાશ આયુષ્ય વધ્યું છે અને અમુક સમસ્યાઓનો તો ઑપરેશન જ ઈલાજ છે, તરત પરીણામ આપવાની બાબતમાં કે રોગ પર ઝડપથી કાબુ લેવાની બાબતમાં ઍલોપથીનો કોઈ વીકલ્પ નથી અને આ બધી મહામુલી સીદ્ધીઓ છે. પણ ઍલોપથી એ મુળે શરીર સાથે કામ પાર પાડનારું વીજ્ઞાન, રોગનાં લક્ષણો અને એના ઉપચારની આસપાસ ઘુમતું વીજ્ઞાન. હવે આ શાખાના નીષ્ણાતો પણ માનતા થયા છે કે રોગ થવાનું મુળ કારણ મોટે ભાગે મન તથા અયોગ્ય આહારવીહાર છે. એટલે એનું નીયંત્રણ એ પહેલો ઉપચાર, પછી દવા.


નેચરોપથી એટલે કે નૈસર્ગીક–કુદરતી ઉપચારનો આ પાયો છે. યોગ્ય આહાર કે ઉપવાસ દ્વારા શરીરમાં જમા થયેલા કચરાનો નીકાલ એટલે કે શરીરશુદ્ધી અને કસરતો–વ્યાયામ, યોગ, પ્રાણાયામ, પ્રાર્થના, હકારાત્મક વીચારો અને પુરતા આરામ દ્વારા માનસીક શાંતી પ્રાપ્ત કરવાનો અને તાણ દુર કરવાનો પ્રયાસ. એ પછી જે તે બગડેલા અવયવને ઠીક કરવા માટે પણ કુદરતી તત્ત્વો માટી, જળ, વરાળ, શેક વગેરેનો ઉપયોગ.


લગભગ સાત-આઠ વર્ષ પહેલાં હું વલ્લભ વીદ્યાનગરના નીસર્ગોપચાર કેન્દ્રમાં મારા આર્થરાઈટીસની તકલીફ માટે ગયેલી અને મને ઘણો ફાયદો થયેલો. એ પછી નક્કી કર્યું હતું કે દર વરસે દસેક દીવસ આ સારવાર લેવી. ભલે તકલીફ ન હોય તો પણ શરીર–શુદ્ધી થાય એટલે નવી સ્ફુર્તી મળે એ ફાયદો તો ખરો જ. જેમ આપણે વાહનને સારું રાખવા એની નીયમીત સર્વીસ કરાવીએ છીએ એમ જ શરીરની અંદરના અવયવો અને એની કામગીરીને સારી રાખવા માટે આ ઉપચાર અત્યંત જરુરી છે. આવા કેન્દ્રોમાં ઘણા લોકો આ ડીટૉક્સીફીકેશન માટે આવતા હોય છે. પણ એ પછી તો ઘણાં બધાં વરસે ફરી જવાનું ગોઠવી શકાયું. આ વખતે નવી જગ્યાનો અનુભવ લેવો એમ વીચારી વડોદરાના ગોત્રી વીસ્તારમાં આવેલ વીનોબા આશ્રમ – નિસર્ગોપચાર કેન્દ્ર, વડોદરા (ફોન: 0265-237 1880)માં જવાનું નક્કી કર્યું.


મારો આશય આ વખતે મુખ્યત્વે ડીટૉક્સીફીકેશનનો અને હવે ડાયાબીટીસ પાળવાનો આવ્યો છે તો એમાં કંઈક સુધારો થાય એ હતો.


વેબસાઈટ http://naturecureashram.org/ ) પરથી વીનોબા આશ્રમનું લીલાં વૃક્ષો, હરીયાળી લોન અને ખરે જ આશ્રમ જેવું સૌંદર્ય ધરાવતું સ્થળ ઘણું આકર્ષક લાગ્યું. ફોન અને સંપર્કો દ્વારા વધારે માહીતી મેળવી. આ પ્રકારની ઉપચાર પદ્ધતીનો મને અગાઉનો જાતઅનુભવ હતો એટલે એ વીશે કશી અવઢવ નહોતી.


શહેરથી થોડે દુર કેન્દ્રના રમ્ય, પ્રાકૃતીક વાતાવરણમાં દાખલ થતાંવેંત શાંતી અનુભવાતી હતી. રહેવાના રુમોની સગવડ ઘણી સારી હતી. ડૉ. કમલેશભાઈ સાથેના લાંબા કન્સલ્ટીંગથી શરુઆત થઈ. પછીથી ડૉ. ભરતભાઈ શાહને પણ હું મળી. દર્દી સાથેની વાતચીતમાં ઉંડા ઉતરી સમસ્યાના મુળ સુધી જવાની ખાંખત અને વીષય અંગેની એમની પુરી દક્ષતા મેં અનુભવ્યાં. પહેલા દીવસથી માંડીને રોજ રાઉન્ડમાં આવતા ડૉ. કમલેશભાઈની સારવાર અંગેની તમામ બાબતોની સજ્જતા ઉપરાંત અત્યંત સૌજન્યપુર્ણ અને સ્નેહપુર્ણ વ્યવહાર એ ઉપચારનો જ એક ભાગ હતા. આમ પહેલા દીવસના કન્સલ્ટીંગ પછી સવારના ઉપચાર સાથે મારા સારવારના કાર્યક્રમની શરુઆત થઈ. મારા માટે જે મહત્ત્વની વાત હતી એ મારો ડાયાબીટીસ.


નીસર્ગોપચાર કેન્દ્રમાં આહાર અત્યંત મહત્વની બાબત છે. પહેલે દીવસે બપોરે ઘી વગરની પાતળી બે રોટલી, તેલમસાલા વગરનું શાક, સલાડ અને ચટણી હતાં. એ વાત ખાસ નોંધપાત્ર છે કે શાકમાં તદ્દન ઓછા તલના તેલમાં જીરાથી વઘાર, મસાલામાં આદુ, મીઠું, હળદર, ધાણાજીરુ અને જરુરી હોય ત્યાં ઓર્ગેનીક ગોળ, વળી કુકરમાં બાફીને જ બનાવેલું, છતાંય ઘણું સ્વાદીષ્ટ લાગે છે. અગાઉ વલ્લભ વીદ્યાનગરના નીસર્ગોપચાર કેન્દ્રનો પણ મારો આવો જ અનુભવ હતો. પછીથી ઘરે આવીને ઘણો સમય એ જ રીતે શાક બનાવતી. પણ વળી ફરી ક્યારે મુળ પદ્ધતી પર આવી ગઈ, તે રામ જાણે !! મુળ તો એ શાક જોવામાં જરા ફીક્કું લાગે અને કોઈ મહેમાન આવે ત્યારે એમને ભાવશે કે નહીં એ ચીન્તામાં આપણી મુળ રીતે રાંધવાનું બને. અંતે અલગ અલગ બનાવવાનું બંધ થતું જાય અને એમ ધીમે ધીમે ‘ઠેરના ઠેર’ થઈ જવાય.


હા, તો વાત ભોજનની ચાલતી હતી. બે દીવસ લંચમાં આવો આહાર અને રોજ સાંજે માત્ર ફળાહાર શરુ થઈ ગયો. સવારમાં ઉકાળો અને બપોરે ચાર વાગે ઉકાળો અથવા દુધીનો રસ એ ખરું. માત્ર બે દીવસ એક ટાઈમ અનાજ ખાધું અને પછીથી છ દીવસ હું બન્ને ટંક ફળાહાર (અન્ન બન્ધ !)પર રહી. જવાના છેલ્લા બે દીવસ લંચમાં રાંધેલો ખોરાક (ત્યાં અપાય છે એ જ); પણ સાંજે તો ફળાહાર જ.. ફળોમાં મુખ્યત્ત્વે તરબુચ અને સાથે કેળાં, ચીકુ, કેરી વગેરે રહેતું. આમ દસ દીવસમાં પહેલાંના બે દીવસ અને છેલ્લા બે દીવસ લંચમાં જ અનાજ ખાધું. બાકી બધા ટંક ફળો પર રહી.


બીજી અગત્યની વાત કે મારી બધી દવાઓ બીજા દીવસથી બંધ કરી હતી. જ્યાં રોગ બહુ જુનો અને એક્યુટ હોય છે ત્યાં દવા ચાલુ પણ રખાય છે. મારે ડાયાબીટીસની તકલીફ એક વરસ જુની હતી અને દવાના ઓછા ડોઝથી સુગરનું પ્રમાણ બરાબર જળવાઈ રહેતું હતું એટલે મારા સંબંધે, મારી સંમતીથી દવા બંધ કરવાનો નીર્ણય લઈ શકાયો. જોખમ કોઈ લેવાનું નહોતું. સતત પરીક્ષણ ચાલુ હતું. રોજ સવારમાં અને જમ્યા પછીની સુગર ચેક થતી હતી.


આ થઈ આહારની વાત. આ ઉપરાંત સારવારમાં સવારમાં દોઢેક કલાક યોગ અને પછીથી કટીસ્નાન, માલીશ, એનીમા, વમન, એક્યુપ્રેશર, સ્ટીમ–બાથ, શીરોધારા જેવા ઉપચારો થતાં. જમ્યા પછી માટીપટ્ટી, ખાસ ડાયાબીટીસ પેક જેમાં કમરની નીચે બરફની થેલી અને પેટ ઉપર ગરમ પાણીની થેલી રાખવામાં આવે. સાંજે ઘુંટણ અને કમરની કસરતો અને વીશેષ યોગાભ્યાસ. આ મેં લીધેલા ઉપચારો હતા. સાંજના ભોજન પછી રાત્રીપ્રાર્થના. આ અમારો દૈનીક કાર્યક્રમ હતો.


એકાંતરે દીવસે આખા શરીરે થતો મસાજ અને કટીસ્નાન તન-મનને અત્યંત રાહત અને હળવાશ આપતાં. ઘરે પણ એ કરી જ શકાય. એવું જ આખા શરીરે માટીલેપનું અને બપોરે લેવાતી માટીપટ્ટીનું. ચારેક દીવસ એનીમા અપાયો અને બેથી ત્રણ વાર વમન ઉપચાર થયો. વલ્લભ વીદ્યાનગરના કેન્દ્રમાં આ ઉપરાંત ‘કોલન’ ઉપચાર પણ હતો, જેમાં મશીન દ્વારા આંતરડાંની સંપુર્ણ સફાઈ થાય છે. આપણને ભલે લાગે કે આપણું પેટ સાફ છે; પણ આંતરડાંમાં જુનો મળ રહેતો જ હોય છે, જે ઘણી તકલીફોનું મુળ કારણ હોય છે. એનીમા અને કોલનથી આંતરડાંની સંપુર્ણ સફાઈ થાય છે. એ વખતે મેં ત્યાં વાંચ્યુ હતું કે કોલન પદ્ધતીથી નાના બાળકના આંતરડાં જેટલાં સાફ હોય એટલી અને એવી સફાઈ થાય છે.


અદભુત હતું શીરોધારા ! માથું ઢળતું રહે એમ સુવડાવી, એક લીટર તલનું તેલ એક કાણાંવાળા પાત્રમાં ભરીને, કપાળ પર ડાબેથી જમણે રેડાતું રહે અને તેલની ધારા કપાળ અને વાળને પલાળતી નીચે રાખેલા વાસણમાં પડે. આ પ્રયોગ ત્રણ દીવસ રોજ લગભગ અડધો કલાક ચાલે પણ એટલો સમય ગજબની શાંતી અને આરામ લાગે એ અનુભવે જ સમજાય. વાળને પછી નીચોવવા જ પડે અને માથા પર ત્રણ દીવસ જાડું કપડું બાંધી રાખવું પડે એ ખરું. આ મેં લીધેલા ઉપચારો.


ખુદ મને પણ વીશ્વાસ નહોતો પણ જે અનુભવ્યું અને થયું એની વાત હવે કરીશ.


ડાયાબીટીસના દર્દીને ભુખ વધુ લાગે અને એનાથી ભુખ્યા ન રહેવાય. મને કહેવામાં આવ્યું હતું કે એક બે દીવસ સવારમાં તમને ઉકાળાની સાથે નાસ્તામાં મમરા અપાશે. જરુર લાગે તો ખાજો. અને એવી જ રીતે બન્ને ટાઈમના ખાણાં સીવાય પણ ભુખ લાગે તો માત્ર ફળ લેજો.
મારા આશ્ચર્ય વચ્ચે ત્રીજા દીવસથી મને સવારના મમરાની જરુર રહી નહીં અને મેં ના પાડી દીધી. પછીથી સવારે માત્ર ઉકાળો લીધો. દીવસના ભાગે પણ મને જે કંઈ આહાર અપાતો એ સીવાય ભુખ નહોતી લાગતી. એટલો ખોરાક પુરતો થઈ પડતો. એકાદ દીવસ ભુખ લાગેલી ત્યારે એકાદ ફળ લીધું હતું; પણ એ અપવાદ રુપે જ. બાકી બે ટાઈમ માત્ર ફળો પર આરામથી રહી શકાતું હતું અને કોઈ જ અશક્તી કે થાકની ફરીયાદ વગર !! ઘરે તો સવારની કસરતો, પ્રાણાયામ પતે એટલે ક્યારે પેટમાં કંઈક નાખું એ સીવાય કશું સુઝે નહીં. બે ટાઈમ વ્યવસ્થીત જમવા છતાં; આડીઅવળી ભુખ તો લાગ્યા જ કરે ! એ અહીં ગાયબ થઈ ગઈ !!


અને એથીયે મોટા આશ્ચર્યની વાત હવે આવે છે કે : બીલકુલ દવા વગર, બન્ને ટાઈમ મારું સુગર લેવલ એકદમ નોર્મલ આવતું હતું ! ન ઓછું, ન વધારે !! આ બહુ મોટી ઉપલબ્ધી હતી !!! કોઈ દલીલ કરી શકે કે ખોરાક જ એટલો ઓછો અને એવો લેવાય તો સુગર ક્યાંથી વધારે આવે ? સાવ સાચી વાત છે; પણ જો એટલા અને એવા ખોરાકથી સારી રીતે જીવી શકાતું હોય, કામકાજ કરી શકાતું હોય, તો પછી બીલકુલ દવા વગર સુગર પર આટલું નીયંત્રણ મેળવી શકાય એ બહુ મોટી વાત ન ગણાય ?


અહીં આવી ત્યારે નીશ્ચય કરીને આવી હતી કે પુરા મનથી સારવાર લેવી છે. રવીવારે રજા હોય, બપોર પછી કોઈ ટ્રીટમેંટ ન હોય; પણ મનથી નક્કી જ કર્યું હતું કે કૅમ્પસની બહાર નથી નીકળવું. જે તે સ્થળના વાઈબ્રેશન્સ માનસીક શાંતી પર ઘણી અસર કરતાં હોય છે અને સાજા થવા માટે શરીર અને મન બન્નેનો સુયોગ હોય તો જ પરીણામ જલદી અને વળી સારું જ મળે ને ?


આ દસ દીવસના નીસર્ગોપચાર કાર્યક્રમે મને સાબીત કરી આપ્યું કે મારો આહાર આ પ્રમાણે રાખી શકું અને રોજીન્દા જીવનમાં મારી માનસીક શાંતી પણ પ્રમાણમાં સારી રીતે જાળવી શકું તો હું ચોક્કસ દવા વગર મારા ડાયાબીટીસ સાથે કામ પાર પાડી શકું.


કોઈ જરુર એમ દલીલ કરી શકે કે ખાવાપીવાના આટલાં નીયંત્રણો પાળવા કરતાં એક ગોળી લઈ લેવી સારી. દલીલમાં વજુદ પણ છે; કેમ કે રોજબરોજની જીન્દગીમાં, નજર સામે આટઆટલા સ્વાદીષ્ટ વ્યંજનોની બહાર છલકાતી હોય ત્યારે જીભના ચટાકા અને સ્વાદ પર કાબુ રાખવો એ ખુબ અઘરી બાબત છે; પરંતુ સામે બીજી વાત એ પણ છે કે એલોપથીની એક પણ દવા આડઅસર વગરની નથી હોતી. ડૉકટર કહે છે, મલ્ટીવીટામીન્સ પણ નહિ. આ દવાઓ રોગને નાથે છે, તો સાથે સાથે બીજા હાનીકારક દ્રવ્યો પણ શરીરમાં છોડે છે, જે લાંબે ગાળે બીજી સમસ્યાઓને જન્મ આપે છે, એટલે કયો વીકલ્પ પસંદ કરવો એ આપણે વીચારવાનું છે.


બીજી વાત તણાવભર્યા જીવનની. એ સાચું છે કે રોજીન્દા જીવનમાં તાણ વગરની જીન્દગી અઘરી છે; પણ અશક્ય નથી. નીયમીત યોગ, પ્રાણાયામ, ધ્યાન અને એ પ્રકારની માનસીક સજ્જતાથી એ જરુર પામી શકાય છે. બહારની ઉથલપાથલો વચ્ચે જીવવા છતાં; એને મન સુધી બહુ ન પહોંચવા દેવાની કળા એટલી અઘરી નથી. એક સંકલ્પની અને એ વીશેની જાગૃતીની જ જરુર હોય છે.


નીસર્ગોપચારના મારા અનુભવ દરમીયાન ડૉ. ભરતભાઈ, ડૉ. કમલેશભાઈ, ડૉ. નયનાબહેન, ડૉ. શ્રુતીબહેન, ડૉ. નીમેષભાઈ, ડૉ. ચાંદનીબહેન, હેમાબહેન, શાલીનીતાઈ, કલાબહેન અને બીજા અનેક કર્મચારીઓનો હસમુખ ચહેરો અને મીઠો, સ્વાગત અને સહકારપુર્ણ સાથ - એણેય મનને ઘણું દુરસ્ત કર્યું છે. સ્વાતી, અનીતા, ફાલ્ગુની જેવાં મીત્રો બન્યાં એ જુદું. સંપુર્ણ સારવાર એ આનું નામ - એવી કંઈક સમજ મને આ વીનોબા આશ્રમમાં મળી છે ગાંધીજી અને વીનોબાજીનાં નામ અને સીદ્ધાંતો સાથે જોડાયેલી આ સંસ્થાએ મને એક નવો જ અનુભવ આપ્યો.

અને સાથેસાથે એય ચોખવટ કરી લઉં કે આ વીષયમાં મારી જાણકારી એક સામાન્ય માનવી જેટલી છે. અનુભવો મારા પોતાના છે એટલે આમાં જે કંઈ ખુટતું લાગે કે બરાબર ન લાગે એને મારી જ મર્યાદા ગણવી.

બ્લોગ લીંક http://das.desais.net
email : dadimanipotli@gmail.com