April 18, 2013 by ગોવીન્દ મારુ
વીજ્ઞાન અને ધર્મ ક્યારેય પણ પરસ્પર વીરોધી નહોતા અને આજે પણ નથી. એમના માર્ગો અલગ છે, કાર્યક્ષેત્ર જુદાં છે, કાર્યપદ્ધતી અલગ છે; પણ બન્નેનું અંતીમ ધ્યેય એક છે. એમની વચ્ચે સ્પર્ધા જરુરી નથી. છતાંયે એ એકબીજાના વીરોધી હોવાનો ભરપુર પ્રચાર થયો છે અને થઈ રહ્યો છે. કોઈ એક ખાસ ધર્મ નહીં; પણ બધા જ ધર્મોને આ લાગુ પડે છે.
વીજ્ઞાન અને ધર્મ બન્ને સનાતન છે. આપણા પુર્વજોએ જ્યારથી બુદ્ધીનો ઉપયોગ કરવાનું શરુ કર્યું ત્યારથી બન્ને અસ્તીત્વમાં આવ્યા છે. આદી માનવે શીકાર કરવા લાકડી અને પથ્થર (શસ્ત્ર અને અસ્ત્ર)નો કરેલો ઉપયોગ તે વીજ્ઞાનની શરુઆત હતી. કોઈ કાર્ય કરતાં પહેલાં માનવી જ્યારથી સારા નરસાનો વીચાર કરવા લાગ્યો ત્યારથી આપોઆપ નીતી અને ધર્મની શરુઆત થઈ.
દરેક પ્રવર્તમાન પરીસ્થીતી એક ચોક્કસ વર્ગ માટે ફાયદાકારક હોય છે. એમાં થતો કોઈપણ ફેરફાર એમના હીતની આડે આવે છે. વીજ્ઞાનના વીકાસ અને સ્વીકાર સાથે જેમને પોતાનું મહત્ત્વ ઓછું થતું લાગ્યું એમણે લોકસમુદાય પર પોતાનું પ્રભુત્વ ટકાવી રાખવા વીજ્ઞાનનો વીરોધ કરવાનું શરુ કર્યું. હકીકતમાં જે લોકો વીજ્ઞાનનો વીરોધ કરે છે એમને વીજ્ઞાન શું છે એ તો ખબર નથી જ; પણ સાચા અર્થમાં ધર્મ શું છે એની પણ ખબર નથી ! ક્રીયાકાંડને ધર્મ માનનારા ધર્માંધ લોકો જ વીજ્ઞાનનો વીરોધ કરે છે. સાચા અર્થમાં ધાર્મીક વ્યક્તીને વીજ્ઞાનના વીકાસ સામે વાંધો ન હોઈ શકે.
વીજ્ઞાનનું કાર્યક્ષેત્ર છે કુદરતનાં રહસ્યો ઉકેલવાનું અને મળેલી નવી માહીતીનો ઉપયોગ કરીને આપણું જીવન વધુ સગવડભર્યું બનાવવાનું. એને આપણી વાસ્તવીક દુનીયા સાથે સમ્બન્ધ છે. આદી માનવે જો વૈજ્ઞાનીક વીચારસરણી અપનાવી ન હોત તો આજે પણ આપણે ગુફાઓમાં રહીને પ્રાણીઓનો શીકાર કરતા હોત. ધર્મનું અસ્તીત્વ ના હોત. અહીંસાની વાતો આપણને ના પરવડત.
વીજ્ઞાનને માત્ર આધુનીક શોધખોળોમાંથી નથી જોવાનું. આપણી આજુબાજુ માનવસર્જીત જે પણ કંઈ દેખાય છે તેમાંથી મોટાભાગનું વીજ્ઞાનને આભારી છે. આપણા ઘર, કપડાં, અનાજ વગેરે બધું જ વૈજ્ઞાનીક શોધોનું ફળ છે. ઘઉં, ચોખા વગેરે જંગલમાં નહોતા ઉગતા, મનુષ્યે વીકસાવ્યા છે. એ શોધો જુની થઈ એટલે વીજ્ઞાનની ભેટ મટી નથી જતી. દુરના ટાપુઓ પર વસતી આદી જાતીઓ સીવાયના બધા જે પણ વીજ્ઞાનનો વીરોધ કરે છે તે નાસમજ કે સરાસર દંભી ગણાય.
એક વ્યાખ્યા પ્રમાણે ધર્મ એ નીતીશાસ્ત્ર અને ભક્તીશાસ્ત્ર છે. નીતીપુર્ણ જીવન જીવવા માટેના આદેશ અને એ સમુદાયના ઈષ્ટદેવની ભક્તી એ ધર્મનો વ્યાપ છે. ઈશ્વરનો સ્વીકાર એ શ્રદ્ધા છે. એની આરાધના એ ભક્તી છે. ધર્મના આદેશોનું સાચા અર્થમાં કરેલું પાલન એ નીતી છે. આ ધર્મનો વ્યાપ અને કાર્યક્ષેત્ર છે. તે સીવાય ધર્મના નામે જે પણ કહેવામાં અને કરવામાં આવે છે એમાંથી મોટા ભાગનું પોતાની વીચારધારા ફેલાવવા માટેનો કે પછી અંગત લાભ મેળવવા માટે ધર્મના નામનો કરેલો ઉપયોગ છે.
ધર્મ એ પણ એક વીચારધારા છે. દરેક ધર્મની શરુઆત વખતે એ પ્રદેશની ત્યારની સામાજીક સ્થીતી અને એ ધર્મની શાખની સરખામણી કરીએ તો આ વાતની પુષ્ટી મળે છે. વીચારધારા એ નદીના પ્રવાહ જેવી હોય છે. શરુઆતમાં એ નાની અને સરળ હોય છે. આગળ જતાં એમાં બીજા પ્રવાહો ભળીને એને વીશાળ અને વીસ્તૃત કરે છે. ક્યારેક મુળ ધારા કરતા એ ઘણી બદલાઈ જાય છે.
ધર્મને લગતી બાબતો શ્રદ્ધા આધારીત છે. એ આપણી આંતરીક દુનીયાને પ્રભાવીત કરે છે. શ્રદ્ધા એ શક્ય અને અશક્ય વચ્ચેની સ્થીતી છે. એ સાચી યા ખોટી સાબીત કરી શકાય નહીં. ધાર્મીક માન્યતાઓ આપણી પાસેથી સમ્પુર્ણ સ્વીકારની અપેક્ષા રાખે છે. એમની સામે પ્રશ્ન ઉઠાવવો એ ગુનો ગણાય છે. એમનું કામ સ્વતંત્ર વીચાર અને તર્કને દાબી દેવાનું રહ્યું છે. જે પણ આપણા સાંભળવામાં કે વાંચવામાં આવે તેને સાચું માની લેવું એ શ્રદ્ધા નથી. શું અને કેટલું સાચું માનવું એમાં બુદ્ધીનો ઉપયોગ કરવો પડે છે. જે બાબતો કુદરતી નીયમો અને આપણા અનુભવોની વીરુદ્ધ જાય છે એનો સ્વીકાર એ શ્રદ્ધા નહીં; પણ અંધશ્રદ્ધા છે. ઘણા લોકો અંધશ્રદ્ધાને શ્રદ્ધામાં ખપાવવામાં સફળ થાય છે; કારણ કે એમને સાબીતીની જરુર હોતી નથી. એ ભોળા લોકોમાં રહેલ લાલચ અને ડરનો લાભ ઉઠાવે છે. પ્રચલીત અંધશ્રદ્ધાની વાતો માટે એક લેખ તો શું, પુસ્તક પણ નાનું પડે.
આજે જેને ધર્મ કહેવામાં આવે તે સંગઠીત કે સંસ્થાકીય ધર્મ છે. એ ઘણા પાછળથી અસ્તીત્વમાં આવ્યા છે. આ સંસ્થાકીયપણું મહત્ત્વાકાંક્ષી લોકો દ્વારા પોતાનું મહત્ત્વ વધારવાના પ્રયાસનું પરીણામ છે. એમાં નીતી અને આદર્શ ઓછા અને વીધીવીધાન વધારે છે. એટલે જ બધા મુળ ધર્મના આટલા બધા પંથ છે. સમ્પ્રદાયને જ ધર્મ માનવામાં આવે છે. એનો પ્રચાર એ જ એમનો મુખ્ય હેતુ હોય છે.
રાજાશાહીના જમાનામાં કાયદા નહીંવત્ હતા. રાજા પોતાની મરજી મુજબ કાયદા બનાવી અને બદલી શકતા હતા. રાજા બદલાય એની સાથે કાયદા પણ બદલાતા રહેતા. એવા વાતાવરણમાં ધાર્મીક નીતીનીયમોએ લોકસમુદાયને શાંતીથી રહેવામાં અને વ્યવસ્થા જાળવવામાં ખુબ અગત્યનો ભાગ ભજવ્યો છે. ધર્મનું એ એક મહત્ત્વનું કાર્ય હતું. હવે જ્યારે રાજ્યવ્યવસ્થા સ્થીર થઈ છે, કાયદા ચોકસાઈથી બનાવવામાં આવે છે ત્યારે ધર્મની એ જવાબદારી સીમીત થઈ જાય છે. ઉલટાનું બહુધર્મીય રાષ્ટ્રોમાં ઘણીવાર ધાર્મીક મતભેદો શાંતીના બદલે અશાંતી ફેલાવે છે.
સામ્યવાદી અને વીકસીત દેશોમાં, જ્યાં કાયદાપાલનનું પ્રમાણ ઉચું છે ત્યાં, ધર્મનો વ્યાપ આપોઆપ પોતાના મુળ કાર્યક્ષેત્રમાં સીમીત થઈ રહ્યો છે. ધાર્મીક પ્રસંગની ઉજવણીઓ બહોળા સામાજીક પ્રસંગ કરતાં મર્યાદીત સમુદાયમાં સમાઈ રહી છે. આ ભાવનાનો સર્વત્ર સ્વીકાર થાય તો ધાર્મીક ઝઘડા અવશ્ય ઘટી જશે. ભારત જેવા કાચી લોકશાહીવાળા દેશમાં ઘણી ભીન્નતાને લીધે કાયદાપાલન અઘરું છે. એટલે ધાર્મીક સમ્પ્રદાયોની પકડ વધુ મજબુત રહેવા પામી છે.
વીજ્ઞાનના વીરોધીઓની મુખ્ય દલીલ એ છે કે ધર્મ અપરીવર્તનશીલ સનાતન સત્ય છે જ્યારે વીજ્ઞાન સતત બદલાયા કરે છે. બન્ને ખ્યાલ ગેરસમજ ભરેલા છે. જો ધર્મ સનાતન સત્ય હોત તો દુનીયામાં એક જ ધર્મ હોત. જુદી જુદી વીચારસરણીવાળા આટલા ધર્મો અને દરેક ધર્મના આટલા પંથની વાસ્તવીકતાનો ઉપરોક્ત કથન સાથે મેળ ખાતો નથી. ધર્મનો વ્યાપ પણ સમય અને સ્થળ પ્રમાણે બદલાતો રહ્યો છે. એમાં સમયાંતરે થતા ફેરફાર જરુરી પણ છે. કોઈપણ ધાર્મીક વીચારધારા કુદરતી નીયમોથી વીરુદ્ધ ન હોઈ શકે. બધા ધર્મોનું હાર્દ આની સાથે સહમત થાય છે. ધર્મ જો આ મર્યાદામાં રહ્યા હોત તો કોઈને ધર્મ પ્રત્યે વાંધો ન હોત.
વીજ્ઞાન વીકસે છે નીતનવી શોધોને લીધે. એ વીસ્તાર પામે છે. એને બદલાય છે એમ ન કહેવાય. એના નીયમો સનાતન છે અને બધે જ લાગુ પડે છે. એમાં સ્ત્રી–પુરુષના ભેદ નથી, ઉંચ–નીચની ભાવના નથી, કાળા–ગોરાનો ફર્ક નથી. કોઈ પણ વ્યક્તી એમાં જંપલાવી બુદ્ધી અને મહેનતથી પોતાનું યોગદાન આપી શકે છે.
વીજ્ઞાન એ કુતુહલમાંથી નીપજતું સત્ય છે. એનું કાર્યક્ષેત્ર અને ધ્યેય કુદરતનાં છુપાયેલાં રહસ્યોને શોધી કાઢવાનું છે. જે સાબીત થઈ શકે તેને અને ફક્ત તેને જ સ્વીકારવાનું વૈજ્ઞાનીક વીચારસરણીના મુળમાં છે. એના માટે ફક્ત શ્રદ્ધા પુરતી નથી. વૈજ્ઞાનીક વીચારસરણી સતત સવાલો કરે છે અને એના ઉત્તરો શોધી પોતાની અધુરપો સુધારી વધુ ચોક્કસ બનાવે છે. એનો કોઈ અંત નથી. એ કોઈ એક લક્ષ્યાંક પાછળ નથી કે જે મેળવ્યા પછી એનું કાર્ય સમાપ્ત થઈ જાય. એ વહેતા પાણી સમાન છે. ધર્મો બંધીયાર પાણી જેવા બની ગયા છે. કુદરતી રીતે વહેતું પાણી બંધીયાર પાણી કરતાં હંમેશાં વધુ સ્વચ્છ હોય છે.
જનસમુદાયની પ્રચલીત માન્યતા જ્યાં સુધી સાબીત ન થઈ શકે ત્યાં સુધી વીજ્ઞાન એને ‘શક્યતા’થી વધારે નથી ગણતું. સાથે સાથે એમાં કુદરતના નીયમોનું ઉલ્લંધન ન થતું હોય તો નકારી પણ નથી કાઢતું. બધાં જ ક્ષેત્રોની જેમ પાખંડીઓ વીજ્ઞાનનો પણ ગેરલાભ ઉઠાવે છે. જાદુના કે એવા બીજા પ્રયોગો જ્યારે મનોરંજનથી આગળ વધીને લોકોને છેતરવા માટે વપરાય છે ત્યારે વીજ્ઞાનનો ગેરલાભ ઉઠાવ્યો કહેવાય.
વીજ્ઞાન પાસે હજી ઘણા પ્રશ્નોના જવાબ નથી. કુદરતનાં રહસ્યોનો તો હજી સાવ નાનો સરખો ભાગ ઉકેલાયો છે. એનો મતલબ એવો નથી કે અણઉકલ્યા પ્રશ્નોના ગમે તે જવાબ આપીએ તે સાચા થઈ જાય. અવારનવાર છાપામાં આવતી નવી શોધો વીશે, ‘શાસ્ત્રોમાં આ બધું લખેલું છે’ કહી, ગમે તેવો સમ્બન્ધ જોડી દેતા કહેવાતા વીદ્વાનો ઉમટી પડ્યા છે. આ આત્મશ્લાઘાની પરાકાષ્ટા છે.
વીજ્ઞાનના વીરોધીઓ વાતવાતમાં શાસ્ત્રોનો આધાર આપે છે. શાસ્રો કોણે, ક્યારે અને કેવા સંજોગોમાં લખ્યા એની ચોક્કસ માહીતી મળવી મુશ્કેલ છે. એમની અસલીયત વીશે પણ પ્રશ્નો ઉઠે છે. મોટા ભાગના ધર્મોનો ફેલાવો રાજ્યાશ્રયમાં થયો છે. એમનાં લખાણો માટે રાજાની સંમતી જરુરી હતી. એટલે જ કદાચ રાજાઓને દૈવી કુળના ગણાવવામાં આવતા. જુના જમાનામાં સાવ ઓછા લોકોને લેખનકળા સીદ્ધ હતી. કાગળ મર્યાદીત હતા. છાપખાનાં શોધાયાં નહોતાં. દરેક પ્રત હાથે લખાતી હતી. એવામાં શબ્દફેર કે ભાવફેર થઈ જવો અથવા સ્વેચ્છાએ કરવો આસાન હતો. કેટલાયે લહીયાઓએ પોતાની સલામતી અને/અથવા સુખ સગવડ ખાતર તત્કાલીન રાજાને કે પરીસ્થીતીને અનુકુળ ફેરફારો કર્યા હોય એ સંભવીત છે. કોઈએ પોતાની અંગત વીચારસરણી ફેલાવવા માટે પણ ફેરફારો કર્યા હોય (આજે પણ બદલાતી સરકારો ઈતીહાસમાં પોતાને અનુકુળ ફેરફારો કરે જ છે) આજે જે શાસ્ત્રોનો આધાર આપવામાં આવે છે તે મુળ ધર્મ સંસ્થાપકની વાણી સાથે બીજા ઘણાની વીચારસરણીનો સમન્વય હોવાની ઘણી શક્યતા છે.
ઈતીહાસ, ભુગોળ, ખગોળ, સ્થાપત્ય, ભુસ્તર, ચીકીત્સાશાસ્ત્ર વગેરે ધર્મથી તદ્દન સ્વતંત્ર વીષયો છે. જે જુજ લોકોને લખતા આવડતું, એમાંના મોટા ભાગના ધર્મલેખન સાથે સંકળાયેલા હતા. એમના હાથમાંથી જે પણ પસાર થતું અથવા બીજું જે પણ લખાતું તે બધું ધર્મનો જ એક ભાગ ગણાવા લાગ્યું. ત્યારથી આ સ્વતંત્ર વીષયોને ધર્મ સાથે જોડીને ધર્મને નામે પ્રસારવામાં આવ્યા છે. પોતાના મુળ કાર્યક્ષેત્રથી આગળ વધીને ધર્મના રખેવાળોએ આ વીષયોમાં કરેલા નીવેદનોમાંથી ઘણા ખોટા સાબીત થયા છે અને સતત ખોટા સાબીત થઈ રહ્યા છે. ધર્મના આવરણમાંથી એમની મુક્તી અત્યંત આવશ્યક છે. એ ન થાય ત્યાં સુધી આવા સ્વતંત્ર વીષયો પરનાં મંતવ્યોનું પ્રસારસ્થાન ખ્યાલમાં રાખી, એ સ્વીકારવામાં વીવેક જાળવવાનું શાણપણ રાખવું જરુરી છે.
વીજ્ઞાન હોય કે ધર્મ, બન્નેનું અંતીમ લક્ષ્ય છે સત્યની શોધ અને સ્વીકાર. ક્યાંક વાંચેલું કે સાંભળેલું, પરમ્પરાથી ચાલ્યું આવતું બધું જ સાચું માની ને એને વળગી રહેવામાં સત્યનો અસ્વીકાર અને ધર્મનું અ–પાલન છે.
રામના નામે ત્યારે પથ્થરો તર્યા હતા કે નહીં એ રામ જાણે ! સદીઓથી રામના નામે ઘણા લોકો પોતાના સ્વાર્થને તારતા આવ્યા છે અને તારી રહ્યા છે. વર્તમાનમાં રાજકારણીઓ એમાં સૌથી મોખરે છે. રામની જેમ જ બીજા યુગપુરુષોના નામે શું શું નહીં તર્યું હોય ?
–મુરજી ગડા
લેખક સમ્પર્ક:
શ્રી. મુરજી ગડા, 1, શ્યામવાટીકા સોસાયટી, વાસણા રોડ, વડોદરા – 390 007 ફોન: (0265) 231 1518 સેલફોન: 97267 99009 ઈ.મેઈલ: mggada@gmail.com
__._,_.___