20130501

હું ગઝલ ગાઈ શકું?






આપજે એવું દરદ કે જે ન ભુલાવી શકું,
આંખમાં આંસુ ભલે પણ હું ગઝલ ગાઈ શકું.

હું કોઈ વાદળ નથી કે ઘેરવાનો સૂર્યને,
હું તો પડછાયો ફકત આંગણમહીં વાવી શકું.

શહેરની આબોહવા માફક તો આવી ગઈ મને,
વાયરો થઈને હજી હું સીમમાં વાઈ શકું.

હું ભલે મોટો થયો, પણ એટલો મોટો નહીં,
મા, હું તારી ગોદને આજેય શોભાવી શકું.

તારે જો કરવી કૃપા હો તો પ્રભુ, વરદાન આપ,
રોટલા મારા જ પરસેવાના હું ખાઈ શકું.

પ્રેમની એવી અવસ્થા પર મને આસીન કર,
તું મને ચાહે ન ચાહે, હું તને ચાહી શકું.

એક-બે ઈચ્છા કુંવારી છે હજુ, મારા પ્રભુ,
આપજે થોડો સમય કે એને પરણાવી શકું.

જે ક્ષણે ‘ચાતક’ દરશની ઝંખના ખૂટી પડે,
એટલી કરજે કૃપા કે શ્વાસ થંભાવી શકું.
- © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’