ખૂબ વિચારતા લાગે છે કે આ લેખ લખવો એ ખાસ કાર્ય છે. એક એવું કામ જેમાં ઘણી અદશ્ય અડચણો છે – દોરડા પર ચાલતા નટ જેવું સમતોલન માંગે છે. પોતાની માતા વિષે ઑબ્જેક્ટિવલી લખવું એ અશક્ય કામ છે, કારણ કે માતા તો ‘સબજેક્ટિવ’ જ છે. એ પોતાની દીકરીને (દીકરાની વાત જુદી છે) પોતાનાથી જુદી ક્યાં ગણે ? અંતરના ઊંડાણથી તો તે જાણે જ છે કે અમે બે જુદી વ્યક્તિઓ ભલે છીએ. અમારાં હૃદયનાં ધબકાર તો એક જ છે….. આ સગપણ તો લાગણીઓ પર નભ્યું છે, મગજનું અહીં કામ નહીં. હૃદયને પોતાનાં કારણો હોય છે મનથી પર.
પોતાની મા વિષે શું લખવું, કેવી રીતે લખવું એની મૂંઝવણમાં છું. મારા મનમાં વિચારોનો મારો ચાલે છે… આપણાં હિંદુ કલ્ચરથી જ શરૂ કરીએ તો ‘મા’નો નાદ જ પવિત્ર ગણાય છે. આપણાં કલ્ચરમાં તો દેવી પણ માના જ નામથી ઓળખાય છે ને ! આપણો ભારતીય સમાજ ‘મા’ શબ્દથી અતિ પ્રભાવિત છે. પછી એ સાહિત્ય હોય, કવિતા હોય, ગીત હોય, પેઈન્ટિંગ હોય, ફિલ્મ હોય કે પછી ટેલિવિઝન સિરિયલ હોય. મૉમ પણ ક્યારેક કાવતરાંખોર, મૂર્ખ, ગૂંચવણ ભરેલી અને વાસ્તવિકતાથી આંખમિચોલી કરનારી હોય છે પણ એક વાત ચોક્કસ – એ પોતાના બાળકને બેહદ પ્રેમ કરે છે. બેહદ – એટલે કે ત્યાં સુધી કે કોઈ પણ નિયમ, કોઈપણ હદ, કોઈ પણ વિવેક ભંગ કરવા તૈયાર. બસ, એનાં બાળક પર કોઈ ભયનો છાયો પડ્યો એટલી જ વાર. એ મા દુર્ગાનું સ્વરૂપ ધારણ કરી લડવા તૈયાર જ હોય ! એની આ મૂળભૂત વૃત્તિ પર્વત જેવી જ દઢ અને અચળ છે.
ખેર, લેખમાં આગળ વધવા હું ઈન્ટરનેટ ખોલું છું. જોવા માટે કે બીજાં લોકો ‘મા’ વિશે શું કહે છે, શું વિચારે છે. મારા આશ્ચર્ય વચ્ચે બહુ ઓછા ક્વૉટેશન્સ મળ્યાં. કદાચ બધાની ‘મા’ વિષેની માન્યતા ફરી ફરીને એક શબ્દમાં આવી જાય છે. પ્રેમ. પ્રેમ હંમેશાં સ્થાયી જ હોય છે. કોઈ પણ ઉશ્કેરણી, ક્રાંતિ કે ઉત્ક્રાંતિ છતાંય. નેટ ઉપર આ બે ક્વૉટેશન્સ પર મારું ધ્યાન ગયું. નાની બાળકીને કોઈએ પૂછ્યું, ‘તારું ઘર ક્યાં છે ?’ એણે જવાબ આપ્યો, ‘મમ્મી જ્યાં છે ત્યાં.’ (કેઈથ બ્રૂક્સ) ‘મોટા ભાગની બીજી સુંદર વસ્તુઓ બે, ત્રણ, ડઝન કે સોમાં આવે છે. જેમ કે ગુલાબનો દસ્તો, તારાઓ, સૂર્યાસ્ત, મેઘધનુષ, ભાઈઓ, બહેનો, માસીઓ, કોમરેડ્સ કે પછી મિત્રો. પણ માતા તો આખી દુનિયામાં માત્ર એક જ.’ (કેઈટ ડી. વીગીનસ) નિરાશા અને ગુસ્સાથી ભરપૂર જેમ્સ જોય્સ કહે છે : ‘આ છાણનાં પોદળાં જેવી ગંધાતી દુનિયામાં બીજું કાંઈ પણ અનિશ્ચિત હોય શકે, માતા તો નથી જ.’ હાશ ! લેખની શરૂઆતમાં જે કન્ફ્યુઝન અને ડાઉટ્સ હતાં તે હવે વિખરાય ગયાં. મારી સૌથી વ્હાલી વ્યક્તિ માટે લખવું અઘરું નહીં પડે. એટલાં માટે નહીં કે હું એને વિષે બધું જ જાણું, પણ એટલાં માટે કે એની કોઈ મર્યાદા પણ મારે માટે મહત્વની છે જ નહીં !12મી સપ્ટેમ્બર, 1988 મધરાતે મમ્મીને લેબર પેઈન ઉપડે છે. બિચારી મમ્મીને છેલ્લા પંદર દિવસથી મલેરિયા અને એમાં પણ સૌથી ભયાનક એવો ઝેરી મલેરિયા થયો હતો. પપ્પા ઉતાવળે મમ્મીને બે કિલોમિટર દૂર આવેલી ચિન્મય હૉસ્પિટલમાં લઈ ગયા. નવમાં મહિનાની હજી શરૂઆત જ હતી. હજી તો મમ્મીને લેબર રૂમમાં લઈ જ ગયાં હતાં. અને ત્યાં તો ડિલિવરી થઈ ગઈ અને હું આવી. મારે ગણપતિ બાપાનો આભાર માનવો જ રહ્યો ! ગણેશ ચતુર્થીના દિવસો હતા. મમ્મીનાં ઝેરી મલેરિયાને અવગણીને પણ નસીબ મને આ દુનિયામાં લઈ જ આવ્યું. મારી મોટી બહેન હજી તો દોઢ જ વર્ષની હતી. સવારે મારાં નાનીમા-નિર્મળા અને મારા દિપકમામા તો આંચકાથી આભા જ બની ગયાં ! એક કાળા લોંદાને મમ્મીની બાજુમાં હૉસ્પિટલનાં બેડ પર જોઈને હું એક બળેલાં લાકડાના ટુકડા જેવી દેખાતી હતી. કાળી કરચલીવાળી અને સુક્કી. ભગવાન જાણે બધાંનાં મનમાં કેવા કેવા વિચારો આવ્યાં હશે. મેં તો આ બધી વાતો પછીથી જાણી. મમ્મી સ્કૂલ ટીચર હતી અને એણે તો તરત કામે વળગવું હતું. મારી કાળજી તો મારાં નાનીને જ આભારી છે. દિવસો વીતતાં ગયાં અને મારી કરચલીવાળી ચામડી ભરાતી ગઈ. મારાં સગાઓ ‘અગલી ડકલીંગ’નું આ ટ્રાન્સ્ફોર્મેશન જોઈને ફરી આભા બની ગયાં. અમારી અનાવલિ નાતમાં તો એવી દૂધ જેવી ગોરી ચામડી જોઈએ ને !…. અને છ મહિનામાં તો હું એકદમ નોર્મલ મારી બહેન અને કઝીન્સ જેવી દેખાવા માંડી. મારા દિપકમામાએ તો મારું નામ પાડ્યું – મલેરિયા બેબી !
જિંદગી આવા જ આશ્ચર્યોથી ભરેલી છે નહીં ? મારી મોટી બહેન ઈશાની વાત સાવ ઊંધી. એ જન્મ વખતે એટલી સુંદર, ભરાવદાર અને તંદુરસ્ત હતી કે હૉસ્પિટલની નર્સો પણ એની સુંદરતા પર વારી જતી. બાળપણની મોટા ભાગની યાદો તો રેકોર્ડ થયા વગર જ પાંચ વર્ષની ઉંમર પહેલાં જ ભુલાય જાય છે. જો કે મમ્મી કહેતી કે હું જન્મજાત નાટકબાજ હતી. હું નાની હતી ત્યારે મને બહાર જવાનું ખૂબ ગમતું. ત્રણ-ચાર વર્ષની હોઈશ ત્યારે મને જરાક ચલાવે તો ત્રણ-ચાર ડગલાં પછી હું જોરથી ભેંકડો તાણતી. મોટાંઓનો છૂટકો જ નહોતો. મને આખા રસ્તે ઊંચકી લીધા સિવાય ! અરે ઘોડિયામાં પણ ઘોડિયાનો હીંચકો જરાક ધીરો થયો નથી કે બંદાનું રડવાનું ચાલુ ! બિચારા મારા મામાનો છૂટકો નહોતો. મને લાંબા સમય સુધી ઘોડિયામાં ઝુલાવ્યા વગર – ત્યાં સુધી કે જ્યાં સુધી હું ઝોકું ન ખાઉં. સ્કૂલમાં પણ હું તોફાની જ હતી. બીજા ધોરણમાં મારી એક ખાસ બહેનપણી હતી અશરફ. એ મારાથી બીજી બેન્ચ પર બેસતી. મને એ બહુ ગમતી. હું દર થોડા વખતે મારી બેન્ચ પરથી ઊભી થઈ એની પાસે જતી રહેતી. આખો કલાસ મારે કારણે ડિસ્ટર્બ થતો. મારા યંગ પારસી ટીચર મને કેટલીય વાર ટોકતા, પણ આ બંદા ક્યાં એમને સાંભળતા’તા ! એક વખત એમણે કંટાળીને મારી અને એક છોકરાની જગ્યા અદલબદલ કરી પણ જેવા એ બ્લેક બોર્ડ બાજુ ફરે તેટલી જ વાર. હું એ છોકરા પાસે ગઈ. એને કોલરથી પકડ્યો અને મારી જગ્યા મને આપવા ધમકાવ્યો. આખરે એણે નમતું જોખ્યું અને બદલામાં મને નવું નામ મળ્યું – ફૂલનદેવી !
1995માં મમ્મીએ નક્કી કર્યું અમને પંચગીની લઈ જવાનું – સારા ભણતર માટે. નસીબ કહો કે ડેસ્ટીની પણ બન્યું એવું કે એક વૅકેશનમાં અમે પંચગીનીમાં એ જૂના અને વ્હાલા ઓળખીતા બાપુકાકાને મળ્યા. બાપુકાકાએ પોતાના ટીનએજ દીકરાની યાદમાં, જે બૉમ્બેમાં એક ડૉક્ટરની લાપરવાહીથી ગુજરી ગયો હતો, એક નાનું સેનેટોરિયમ બાંધ્યું હતું. ઘરડાં લોકો અને માંદગીમાંથી સારાં થતા દર્દીઓ માટે. મમ્મીની મૂંઝવણ સમજીને એમણે લાંબા ગાળાનાં રહેવાસ માટેનાં ત્રણ કોટેજ પૈકી એક કોટેજ અમને ફાળવ્યું. વળી એમણે ખાતરી આપી કે એ મમ્મીને ત્યાં ટીચર તરીકે જૉબ અપાવવામાં મદદ કરશે. અમારાં કુટુંબ માટે આ મોટો ફેરફાર હતો. અમે પંચગીની શિફ્ટ થયા – પપ્પા વગર. પપ્પા દર થોડા સમયાંતરે અમને મળવા આવતા. શરૂઆતનો સમય બહુ આકરો હતો. હિલ સ્ટેશનનાં આકરાં ચઢાણ પર દરરોજ બે કિલોમીટર ચાલીને સ્કૂલ જવાનું – વેહિકલનો તો સવાલ જ નહોતો. મારી બહેન તે વખતે ત્રીજા ધોરણમાં અને હું બીજા. 1996નું વર્ષ હતું. એ વર્ષે એક યાદગાર ઘટના બની. હું કલાસમાં પ્રથમ આવી અને મહાન સંગીતકાર નૌશાદ દ્વારા મને સર્ટિફિકેટ એનાયત થયું. મારાં બાળપણની ગૌરવભરી યાદગીરીમાં એ અમૂલ્ય ફોટો સામેલ છે. એ જ વર્ષમાં મમ્મીને ત્યાંની સંજીવન સ્કૂલમાં નોકરી મળી ગઈ. વળી બે કિલોમીટર ચાલવાનું, વેહિકલ વગર. નોકરી અને પગાર તો સારા જ હતા પણ અઘરું તો હતું જ. કારણ કે મમ્મીને હિલ ઉપર સ્કૂલ ઉપર એક દિવસમાં એક વાર નહીં પણ છ વાર ચઢ-ઉતર કરવાનું હતું ! એક વાર સવારે, એક વાર બપ્પોરે લંચ ટાઈમે અને એક વાર સાંજે સ્કૂલ પછી હૉસ્ટેલનાં બાળકોને રમતગમત માટે સુપરવાઈઝ કરવાં.
મમ્મી અંદરથી જ મજબૂત છે. કદાચ અમુક અંશે સ્વભાવગત, અમુક અંશે ફૅમિલીની મર્યાદિત આવકને લીધે અને અમુક અંશે એણે લાઈફમાં જે અનુભવોમાંથી પસાર થવું પડ્યું એને લીધે. મમ્મીનો જન્મ થયો આગ્રામાં તાજમહેલની ધરતી પર. અને પછી મમ્મી એક વર્ષની હતી ત્યારે જ મારાં સ્વર્ગવાસી નાનાની આર્મીની જોબ ટ્રાન્સફરને કારણે 1960માં તેઓ હિલસ્ટેશનની મહારાણી ગણાતાં સિમલા ગયા. સિમલામાં તો બધાંએ ઊંચાનીચા ઢાળ જ ચઢ-ઉતર કરવાનાં હોય. કદાચ એટલે જ મમ્મી આટલાં ખડતલ છે. 1972 સુધી સિમલામાં રહીને મારા નાનાની જોબનાં છેલ્લા ત્રણ વર્ષ તેઓ દેહુરોડ પૂના નજીકની મિલિટરી છાવણીમાં રહ્યાં. 1975માં મમ્મીનું કુટુંબ મારા નાનાનાં બાપદાદાઓના ઘરમાં સુરતમાં સેટલ થયા. અહીં જ તેમણે કૉલેજમાં તેમનું બી.કોમ અને પછી બી.એડ. કર્યું. પછી એને સ્કૂલમાં જૉબ મળી ગઈ. એનાં લગ્ન 1984માં થયાં અને એ જ વર્ષે ત્રણ મહિના પછી મારા નાના ગુજરી ગયા. મને લાગે છે મમ્મીની આટલી જીવનકથા કહેવી જરૂરી હતી, એની જિંદગીને યોગ્ય રીતે સમજવા માટે.
પાછી પંચગીની પર આવું તો અમને બંને બહેનોને નજીકની જ સેન્ટ જૉસેફ સ્કૂલમાં ભણવા મૂકેલી. મને ત્રીજામાં અને ઈશાને ચોથા ધોરણમાં. અમારી મમ્મી ભાગ્યશાળી હતી કે એનું બાળપણ પર્વતોની મહારાણી-સિમલામાં વીત્યું. સિમલા એટલે એક તરફ દેવદારની સુંદર લીલોતરી તો બીજી બાજુ દૂર ક્ષિતિજમાં બરફથી છવાયેલા હિમાલયના પર્વતો…. તો અમે પણ એના જેટલાં જ લકી હતાં. પંચગીનીમાં- ભવ્યાતીત કિષ્નાવેલીના ખોળામાં. પંચગીની તો ફેમસ છે એનાં ઈંગ્લૅન્ડથી આણેલા સુંદર સિલ્વરઑક વૃક્ષો માટે. સો ફૂટ જેટલાં ઊંચા વૃક્ષો અને થડ સીધા વાંસ જેવા. મહાબળેશ્વર, કૃષ્ણાનદીનું ઉદ્દગમસ્થાન અને જાણીતું પર્યટન સ્થળ પંચગીનીથી માત્ર 20 કિલોમીટર દૂર. અમે જ્યાં રહેતા તે જગ્યા બાપુકાકાના સેનેટોરિયમ તરીકે જાણીતી હતી. તે પણ ખૂબ જ લીલોતરીથી ભરપૂર અને બાગબગીચાવાળી હતી. આ ઉપરાંત ત્યાં નાની જંગલી બિલાડી અને બારે માસ ઉત્પન્ન થતાં બિલાડીનાં બચ્ચાંઓની સતત અવરજવર રહેતી – બાપુકાકાના બંગલાથી કોટેજ સુધી દિવસ દરમ્યાન બારણાં ખુલ્લા હોય, ઘરમાં પણ આ બચ્ચાંઓ અટવાયા કરતાં – અમને મનોરંજન અને કંપની આપતા. મમ્મીને પ્રાણીઓ એટલાં ગમતાં જેમ માછલીને પાણી ! તે એમને રમાડતી, ખવડાવતી, ચીડવતી ને વ્હાલ કરતી. કંઈ અસંખ્ય પંખીઓ આજુબાજુના ઝાડમાં પોતાના માળામાં રહેતાં. એનો મધુર કલરવ આખો દિવસ સંભળાતો. ક્યારેક સિલ્વર ઑકની ટોચ પરથી કોયલ ટહુકતી. ચોમાસું…. બાપરે ! મહિનાઓ સુધીનો વરસતો વરસાદ ક્યારેક અતિવૃષ્ટિ તો ક્યારેક બરફના કરાનો એવો મારો કે બસ મિનિટોમાં બધું સફેદ થઈ જાય. ચોમાસાના એ અંધારિયા ગ્લુમી દિવસો હતા જ્યારે બધાં ઘરમાં જ ભરાઈ રહેતા. અને બેકગ્રાઉન્ડમાં વાગતું પતરાં પર પડતાં વરસાદનું સંગીત. રાત્રે જીવડાંઓનાં અને દેડકાંઓનાં ચિત્ર-વિચિત્ર અવાજો… હોલીવુડની કોઈ હૉરર ફિલ્મના ડરામણા સીન જેવું એ દશ્ય હતું ! થોડા આનંદના ને થોડા દુઃખી એવા એ મિશ્ર દિવસો હતા, પણ યાદગાર દિવસો હતા.મારી મમ્મીને હું સુપર મૉમનું બિરુદ આપતાં અચકાઈશ નહીં. એ દિવસો સુધી પોતાનાં કામ અને ફરજો ચીવટથી નિષ્ઠાપૂર્વક અને ઉત્સાહથી કર્યે જતી. એના કદી ન હાર માનનારા ઉત્સાહી સ્વભાવને કારણે એ બધામાં બહુ લોકપ્રિય- સ્ટુડન્ટ્સમાં, ટીચર્સમાં, મૅનેજમેન્ટ જોડે. બાપુકાકાને પણ મમ્મીનો બહુ સથવારો. લગભગ એંશી વર્ષના બાપુકાકાને મમ્મી એકાઉન્ટ્સમાં, સેનેટોરિયમનાં કામમાં, અને એના એક્સપર્ટ હાથે બનાવેલી, ભાવતી વાનગીઓ એમને મોકલવામાં મદદ કરતી. મમ્મીની સાઉથ ગુજરાતની ટીપિકલ અનાવાલા ટેસ્ટથી બનેલી વાનગીઓ બાપુકાકાને ખૂબ ભાવતી. હું જોતી કે લોકો મમ્મી પાસે પૈસાની કે બીજી કોઈ પણ તકલીફ માટે કાયમ આવતાં. મમ્મીના એક્ટ્રોવર્ટ સ્વભાવને કારણે અને સેનેટોરિયમમાં આવતા જાતજાતનાં લોકો સાથે તેનાં હળવા મળવાને કારણે મમ્મી તે બધાંને ઘર જેવું વાતાવરણ પૂરું પાડતી.
ખેર, તમે બહારની દુનિયામાં ગમે તેટલા ખુશ છો એવું બતાવો પણ તમારી અંદરની દુનિયાની વાત જુદી છે. યસ, અફકોર્સ, મમ્મીને પણ ક્યારેક ગુસ્સો અને નિરાશા ઘેરી વળતાં. બધાં દિવસો તો સરખાં કેવી રીતે હોય ? આપણે માણસો તો હંમેશાં પૉઝિટિવ અને નૅગેટિવ લાગણીઓથી ઘેરાયેલાં જ હોઈએ છીએ. આટલી બધી અચોક્કસતા અને અણધારીતા વચ્ચે ક્યારેક તો સંઘર્ષ કે ઝઘડો થવાનો જ. આપણે બધાં જ યુનકલી યુનિક છીએ. એટલે બધાંના ટેમ્પરામેન્ટ સરખાં ક્યાંથી હોય ? મારી બહેન – જે થોડી જુદી જ હતી ને ક્યારેક અધીરાઈથી ધીરજ ગુમાવી દેતી. એ ગરમ સ્વભાવની ને હું થોડી ઠંડી. મને જલદી ગુસ્સો ન આવે, સિવાય કે કોઈ મને દબાણ કરીને હુકમ કરે. એનાથી હું બહુ ચિડાઉ પણ મારું રીએકશન છીપમાંની માછલી જેવું ઠંડું. હું મોટે ભાગે મને શું નથી ગમતું એ કહેવાનું કે સમજાવાનું ટાળું. સ્વાભાવિક છે મારી, ઈશા અને મમ્મી વચ્ચે નાના મોટા તણખા ઝરતાં. મમ્મીને ઘણીવાર ફસ્ટ્રેશન પણ આવ્યું હશે. એક તો હું એનું માનું નહીં, બીજું મારી અને ઈશા વચ્ચે કૂતરા-બિલાડી જેવા ઝઘડા અને ત્રીજું મારા અત્યંત અનઈવન ભણવાનો ગ્રાફ – ક્યારેક ટોપ તો ક્યારેક બોટમ. ઈશા ભણવામાં સારી, ઈન્ટ્રોવર્ડ અને એનો કલાસમાં એકથી પાંચમાં નંબર આવે. હું પહેલાં થોડા વર્ષ તો સરસ નંબર લાવતી પણ પછી ધીરે ધીરે નીચે ગબડતી ગઈ. ધીરે ધીરે મારો ભણવામાંથી રસ ઓછો થઈ ગયો અને મને કોન્વેન્ટની અત્યંત સ્ટ્રિક્ટ અને વધારે પડતી ડિસિપ્લીન પર ચીડ ચડવા માંડી. મમ્મી કાયમ મને બધી રીતે મદદ કરવા તૈયાર રહેતી. પ્રેમથી હસાવીને, લાડથી, ખિજાઈને કે લલચાવીને સ્વાભાવિક છે કે તે કોઈક વખત નિરાશ કે ગુસ્સે પણ થઈ હશે. જો કે તે હંમેશાં કહેતી કે મારા પર ગુસ્સે થવું અઘરું હતું. – મારી ક્યુટનેસ, સુંદરતા અને મોહકતાને કારણે ! એને બહુ આશ્ચર્ય થતું મને જોઈને જ્યારે હું કલાકો સુધી મારાં કપડાં, દુપટ્ટા અને સ્કાર્ફની મદદથી મારા મગજના ક્રીએટીવ ફૅશન આઈડિયા ટ્રાય કરતી રહેતી. હું જે આતુરતાથી અને લગનથી ટીવી અને પિકચર્સ જોતી તેનાથી પણ એ જરૂર ચીડાતી કારણ એ દરમ્યાન ભણવાનું તો બાજુ પર રહી જતું !
ઓફ કોર્સ, ત્યારે તો દૂર દૂર સુધી એક્ટિંગને મારી કેરીઅર બનાવવાની ખાનગી ઈચ્છાનું સ્વપ્નું પણ નહોતું જોયું. મારા ખાનદાનમાં તો કોઈ ફિલ્મ સ્ટુડિયોનાં માઈલો સુધી પણ નથી ફરક્યુ. એ દિશામાં તો કદી વિચાર્યું જ નહોતું. કદાચ મારી (ટીવી સિરિયલ અને ફિલ્મોથી પ્રેરાયેલી) એક્ટ્રેસ બનવાની સુષુપ્ત અને ખાનગી ઈચ્છાને કારણે જ આઠમા ધોરણમાં મને ભણવામાં ક્રાઈસિસ આવી ગઈ. મારાં પ્રિલિમસમાં બહુ જ ખરાબ માર્કસ આવ્યા. સ્કૂલમાંથી નોટિસ આવી કે હું જો સારા માર્કસ નહીં લાવું તો મારે સ્કૂલ છોડવી પડશે, ને બીજી થોડી ઊતરતી સ્કૂલમાં જવું પડશે. મમ્મીની સારી એવી મદદથી આઠમું તો પાસ કર્યું. નવમું અને દસમું પણ મહા મુશ્કેલીથી પાસ કર્યું – મને ભણવામાંથી જાણે રસ જ ઊડી ગયો હતો. ઈશાને એનાં છેલ્લાં બે વર્ષ માટે સ્કૂલ હૉસ્ટેલમાં મૂકી હતી. સ્વાભાવિક છે કે હું એની ઈર્ષા કરતી હતી ને મૂડલેસ હતી. મને પણ હૉસ્ટેલમાં રહેવું હતું. એ બહુ વધારે પડતો અને વણજોઈતો ખર્ચો હતો – અને છતાંય મમ્મીએ મારી ઈચ્છા પૂરી કરી. એક વર્ષ તો મારી ઈચ્છા પૂરી થઈ પણ બીજે વર્ષે સ્ટડી લીવ દરમ્યાન મમ્મી મારી સાથે કૉટેજમાં રહી અને મને ભણાવવામાં મદદ કરી. જો ભૂલેચૂકે પણ હું ફેઈલ થાત તો આવી જ બનત કારણ કે ઈશાના તો મેટ્રિકમાં બહુ જ સરસ માર્કસ આવ્યા હતા. અમે નવ વર્ષ પંચગીની રહ્યાં. મારો ફાઈનલ યરમાં માંડ ફર્સ્ટ કલાસ આવ્યો. મમ્મીનાં સાસરિયાઓનાં મતે તો એ શરમની વાત હતી. પણ મમ્મી તો જાણે મારા બહુ સરસ માર્કસ આવ્યા હોય એમ ખુશ હતી. મમ્મીનો તો સ્વભાવ જ પૉઝિટિવ અને ઉદાર હતો. તેણે હકીકત સ્વીકારી લીધી હતી. મમ્મીની આ અને આવી કેટલીય ક્વોલિટી જેવી કે શક્તિનો ફુવારો, આવડત, આનંદીપણું અને કોઈ પણ વસ્તુમાંથી વિનોદ શોધવાની વૃત્તિની તો હું મોટી પ્રશંસક છું. મમ્મી એટલે સરળ, પ્રેક્ટિકલ અને હાસ્યવૃત્તિમાંથી ભરપૂર – એની સાથેની જિંદગી એટલે કદી ન ખતમ થતી મજા.
2004માં અમે ફરી સુરત આવ્યાં – બાપુકાકા જે હવે 90 વર્ષના હતા. એમના પ્રેમાળ ફેરવેલને માણીને પુસ્તક પ્રેમી ઈશાએ અહીં સાયન્સ સ્ટ્રીમમાં એડમિશન લીધું હતું. મમ્મીએ મોટીમસ ફી આપીને એને સીન્હાગઢ કૉલેજ પૂનામાં ફાર્મસીમાં એડમિશન મેળવવામાં મદદ કરી. એના સરસ માર્કસ છતાં પણ મમ્મી અમારા બધાંના લાઈફની સી.ઈ.ઓ. એણે હંમેશની જેમ જ બધી જ વ્યવસ્થા કરી દીધી. મારી કેરિયરનું તો કાંઈ ઠેકાણું નહોતું એટલે હું બ્લોકનાં બાળકોની સાથે મસ્તી કરતી’તી. બીજો કોઈ વિકલ્પ ન રહેતાં છેલ્લે મેં પણ એ કૉલેજમાં આર્ટ્સમાં એડમિશન લીધું. પહેલું વર્ષ તો જોત જોતામાં પસાર થઈ ગયું. હું કલાસમાં પહેલી આવી એટલું જ નહીં મને તો સાઈકોલૉજીમાં ખૂબ રસ પડ્યો. કૉલેજની સ્વતંત્ર લાઈફની મજા તો કંઈ ઓર જ હતી. પણ હું ઈચ્છતી હતી કે લાઈફને કોઈ બીજા રસ્તે વાળું. મારી અંદરની તીવ્ર ઈચ્છાને ઓળખીને મમ્મીએ મને અઢાર દિવસના મૉડલિંગના કોર્સમાં મૂકી. કોર્સ ‘બન્ટીપ્રશાંત અને દિપાલીસ’ નામે જાણીતો હતો. હું તો સ્વભાવથી જ થોડી ઠંડી ને થોડી આળસુ હતી. એટલે મેં કોર્સમાં થોડા ગુલ્લા માર્યા એ તો મમ્મીએ જ રસ લીધો અને દબાણપૂર્વક કોર્સમાં મોકલી. બન્ટી અને પ્રશાંતે મારામાં થોડી ઘણી ટેલેન્ટ જોઈ અને મમ્મીએ મને પ્રોત્સાહિત કરવા કહ્યું. મારી કૉલેજના વાર્ષિક કેટ વૉકમાં પણ મૉડલ તરીકે મને બધાંએ વખાણી.
પછી લગભગ 2005ના અંતમાં, બન્ટી અને પ્રશાંતે મમ્મીને એકતાકપૂરની નવી સિરિયલ કસમસેનાં બાલાજીનાં ઓડીશન વિષે જાણ કરી. છાપામાં પણ આવ્યું હતું કે એકતાએ આખા દેશમાં અસંખ્ય ઓડીશન લીધા અને લગભગ 800 પ્રતિયોગીઓને રીજેક્ટ કર્યા હતા. ભગવાન જાણે આ વાત સાચી હતી કે ખોટી પણ મમ્મી મને ઓડીશન માટે મુંબઈ લઈ ગઈ. મેં ઓડીશન પછી મમ્મીને નિર્ણયની રાહ જોવા માટે થોભવાનું કહ્યું. કહે છે ને કે તમે કશુંક ખૂબ દિલથી અને પૂરી લગનથી ચાહો તો નસીબ જોર કરે છે અને અશક્ય વસ્તુ પણ શક્ય બને છે ! ‘કસમસે’ સિરિયલ તો શરૂઆતથી જ ઉંચકાઈ ગઈ પણ મારી અને મમ્મીની લાઈફનો સૌથી કઠણાઈ ભરેલો સ્ટેજ શરૂ થયો. મુંબઈમાં તો રહેવાના જ ઠેકાણાં નહોતાં. શરૂઆતના થોડોક સમય ભાયંદર રહ્યા. ત્યાંથી લોકલમાં કામ પર જવું એ કમ્મરતોડ કામ હતું. મમ્મી વગર મારે માટે એ શક્ય જ ન બન્યું હોત – ઊઠવાથી માંડીને, તૈયાર થઈને, લોકલ ટ્રેઈનમાં મુસાફરી કરીને પછી 18થી 20 કે વધારે કલાક સ્ટુડિયોમાં કામ કરવાનું. થોડા વખત પછી અમે લોખંડવાલામાં એક ફલેટ ભાડે લીધો. જોકે અમારું વિચિત્ર રૂટિન તો એ જ રહ્યું. દિવસના કોઈ પણ ચિત્ર-વિચિત્ર સમયે ઘર કે સ્ટુડિયો પર જવા રિક્ષા પકડવાની. રાત્રે બે વાગે, ત્રણ વાગે, ચાર વાગે, પાંચ વાગે બધાંને કદાચ આ બહુ ખતરનાક લાગે – બે એકલી સ્ત્રીઓ, કોઈ રક્ષણ વગર, એક અજાણ શહેરની ગલીઓમાં પણ એ મમ્મી અને માત્ર મમ્મીને કારણે શક્ય બન્યું.
ધીરે ધીરે લાઈફ સરળ થવા માંડી, સેટલ થવા માંડી, ઘણાં બધાં ઍવૉર્ડસ કસમસેની બેહદ પોપ્યુલારિટી, ઝલક દિખલા જા, રૉક ઓન અને વન્સ અપોન અ ટાઈમ ઈન મુંબઈ. દેશ અને દુનિયામાં કેટલી બધી મુસાફરી. મમ્મી જ મારી હંમેશની કમ્પેનિયન હતી અને છે. ક્યારેક મારાં કામમાં માથું માર્યા વગર કે મારા રસ્તામાં અડચણ ઊભી કર્યા વગર, કંટાળાજનક લાંબા કલાકો મારી વેનિટીવાનમાં વિતાવતી અને ધીરજપૂર્વક મારું કામ પતવાની રાહ જોતી. મારી બધી જ વસ્તુઓ ફાઈનાનસ્યલ પ્લાનિંગ હોય કે ઘર મૅનેજ કરવાનું હોય કે સ્વાદિષ્ટ ઘરે બનતું ખાવાનું બનાવવાનું હોય, મને કંપની આપવાની હોય કે મારો નવો ફલૅટ સજાવવાનો હોય અને એ બધાંથી ઉપરવટ મને ડગલે ને પગલે આધાર આપીને પ્રોત્સાહિત કરવાનું હોય. એક દીકરી આનાથી વધારે શું ઈચ્છી શકે ? દરેક સંજોગમાં આનંદી એવી મારી મમ્મીએ જ મારાં સ્વપ્નોને વાસ્તવિક બનાવ્યાં – મારા હવાના મહેલમાં મજબૂત પાયો નાખીને.
લેખ પૂરો કરતાં પહેલાં મારાં નાની, મમ્મીનાં મમ્મીને, એક અત્યંત મીઠા વ્યક્તિત્વને યાદ કરી લઉં. તેઓ હંમેશાં અમારી સાથે જ રહ્યા અને અમને એમનાથી શક્ય એટલી મદદ કરતાં રહ્યા. તેઓ હમણાં જ થોડો વખત પહેલાં અલઝાયમરની અત્યંત ડરામણી માંદગીથી 84 વર્ષે ગુજરી ગયા. હું કઈ રીતે ભૂલી શકું કે, એમના જીવનના છેલ્લા થોડા મહિનાઓમાં એ કોઈને ઓળખી શકતાં નહીં, સિવાય કે મને. મમ્મીએ આખી જિંદગી ખૂબ પ્રેમ અને કાળજીથી અમને જાળવ્યા. જિંદગીના દરેક ડગલે મમ્મી હતી, છે અને રહેશે ! થૅન્ક યૂ મમ્મી !