20131118

ભગવાન શ્રીકૃષ્ણ

ભગવાન શ્રીકૃષ્ણ

દેવલોકમાં ભગવાન શ્રીકૃષ્ણ આજે એકલા બેઠા છે. ઉદાસ છે. ગઇ કાલે ભગવાનનો જન્મ દિવસ મોડે સુધી ઊજવ્યો હોઈ રુક્મણિ હજુ ઊઠયાં નથી. એટલામાં નારદજી આવી પહોંચે છે. નારદજી પૂછે છે : પ્રભુ, આજે તમારા ચહેરા પર કોઈ આનંદ કેમ નથી ?”
ભગવાન કહે છે : નારદજી, તમે આવી ગયા તે સારું કર્યું. મને મારા ભક્તોની યાદ આવી ગઈ. ઘણા સમયથી પૃથ્વીલોક પર ગયા નથી. ચાલો આંટો મારી આવીએ.
ભગવાન, આપનો વિચાર ઉત્તમ છે. હું પણ ઘણા સમયથી વિમાનમાં બેઠો નથી ચાલો.
ભગવાન અને નારદજીને લઈ પુષ્પક વિમાન નવી દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતરાણ કરે છે. નારદજી પૃથ્વીલોકના નિયમો જાણતા હોઈ કૃષ્ણ અને નારદજી નામનો પાસપોર્ટ ચિત્રગુપ્ત પાસે તૈયાર રખાવ્યો હોઈ ઇમિગ્રેશનમાં વાંધો આવતો નથી, પરંતુ કસ્ટમવાળા નારદજીનો તંબૂરો તપાસે છે. કસ્ટમ અધિકારી પૂછે છે : આની અંદર કોઈ સ્ફોટક પદાર્થ છે ?”
નારદજી ના પાડે છે છતાં કસ્ટમવાળો કહે છે : અમે સાધુ-સંતો પર બહુ ભરોસો કરતા નથી. તમે શું વ્યવસાય કરો છો ?”
હું તો ભગવાનનો સંદેશવાહક છું. એક દેવની વાત બીજા દેવ સુધી પહોંચાડું છું.  તેથી કોઈ વાર દેવો અંદરોઅંદર બાખડે પણ છે.
 “ઓહ ! ત્યારે તમે એમ કહોને કે, તમે દિલ્હીના મીડિયાવાળા છો ? દિલ્હીના મીડિયાવાળા હમણાં આ જ ધંધો કરે છે. નીરા રાડિયાની વાત કનિમોઝીને અને કનિમોઝીની વાત સોનિયા ગાંધીને પહોંચાડે છે.
બસ, એવું જ સમજો ને ?”
ઠીક છે, પણ આ ભાઈએ માથા પર હેલ્મેટ કેમ પહેર્યો છે ?”
ભાઈ, એ હેલ્મેટ નથી એ મુગુટ છે. સોનાનો છે.
એક વીંટીથી વધુ સોનું લાવવું તે ગુનો છે. સોનાનો મુગુટ જપ્ત કરવો પડશે. દંડ અને ટેક્સ ભર્યા પછી છોડાવી શકશો.
નારદજી ધોતિયાના છેડે બાંધેલી ગાંઠ છોડી ૧૦૦ ડોલરની નોટ આપે છે. કસ્ટમવાળો સલામ મારી કહે છે : વેલકમ ટુ ઇન્ડિયા, સર.
ભગવાને પૂછયું : નારદજી તમે શું આપ્યું ?”
પ્રભુ, કેટલાક સમય પહેલાં હું અમેરિકાના ઇસ્કોન મંદિરમાં ગયો હતો. ત્યાં કોઈએ આ નોટ મને આપી હતી. અત્યારે તમે તમારો સોનાનો મુગુટ સંતાડી દો અને પીંછાનો મુગુટ ધારણ કરો, નહીંતર રસ્તામાં કોઈ લૂંટી લેશે. બાકીની વાત પછી કહીશ, પ્રભુ ચાલો અત્યારે આપણે પ્રસ્થાન કરીએ.
શામાં ?”
 “ભગવાન, આ દિલ્હી છે. અહીં ટ્રાફિક બહુ રહે છે. અહીં આપનો અશ્વરથ નહીં ચાલેમેં લક્ઝુરિયસ ઓડી કારની વ્યવસ્થા કરી છે.
ઓડી કાર કોણે આપી ?”
ભગવાન, મેં હમણાં એક ઉદ્યોગપતિનું કામ કરી આપ્યું હતું. તેણે મોકલી આપી છે.
ઠીક છે, પણ આ કાર તો હું જ ચલાવીશ.કહેતાં ભગવાન ખુદ સ્ટિયરિંગ પર બેસી જાય છે. બાજુમાં નારદજી બિરાજે છે. ડ્રાઈવરને પાછળ બેસાડવામાં આવે છે. ઓડી કાર સડસડાટ દોડતી આગળ વધે છે. ભગવાનને લાલ લાઈટના નિયમનો ખ્યાલ ના હોઈ તેઓ કાર દોડાવી દે છે. ટ્રાફિક પોલીસ તેમને રોકે છે : મિસ્ટર, તમે લાલ લાઈટ હોવા છતાં કાર દોડાવી છે. ૫૦૦ રૂપિયા દંડ.
નારદજી ફરી ધોતિયાનો છેડો ખોલી તેમાંથી ૧૦૦ રૂપિયાની નોટ કાઢી આપે છે. ટ્રાફિક પોલીસ સલામ મારી કાર જવા દે છે. ભગવાન પૂછે છે : તમે આ કાગળિયાં શાનાં આપ્યા કરો છો ?”
પછી કહીશ, પ્રભુ.
કાર જેમ જેમ આગળ વધે છે તેમ તેમ પોલીસ વધુ ને વધુ સંખ્યામાં દેખાય છે. ભગવાન પૂછે છે : અહીં આટલાં બધાં સૈનિકો કેમ છે ?”
પ્રભુ, અહીં ભારત વર્ષના વડા પ્રધાન રહે છે ડો. મનમોહનસિંહ.
શાના તબીબ છે ?”
તબીબ અર્થકારણના છે, પણ ભારત વર્ષની મોંઘવારીની દવા કરી શકતા નથી.
ઠીક છે, આગળ ચાલો.
કાર પાર્લામેન્ટ હાઉસ પાસેથી પસાર થાય છે. ભગવાન પૂછે છે : આ વિશાળ ઇમારત શાની છે ? અંદર આટલી બૂમરાણ કેમ ?”
પ્રભુ, અહીં ભારત વર્ષના સાંસદો ચર્ચા કરે છે.
બધા યાદવો છે ?”
યાદવાસ્થળી જ સમજી લો ને.
ચાલો આપણે અંદર જઈએ.
નારદજી એક પરિચિત સાંસદ મારફતે બે વીઆઈપી પાસની વ્યવસ્થા કરે છે. પાર્લામેન્ટની પ્રેક્ષક ગેલેરીમાં બેસી ચર્ચા સાંભળે છે. ભગવાન પૂછે છે : પેલા બંધ ગળાવાળા ચશ્માંવાળા ભાઈ કોણ છે ?”
પ્રભુ એ ભારત વર્ષના નાણામંત્રી પ્રણવ મુખર્જી  છે, પણ આજકાલ તેમનો ભાવ કોઈ પૂછતું ના હોઈ મોં ચડેલું છે અને તેમની બાજુમાં બેઠા છે તે જ ભારતના વડા પ્રધાન.
વડા પ્રધાન કેમ કાંઈ બોલતા નથી ?”
પ્રભુ, તેમને બે-ત્રણ વાર હાર્ટ સર્જરી કરાવી છે. વળી સોનિયા ગાંધી હમણાં બહાર છે. તે આવે પછી પૂછીને બોલશે.
અને પેલા લીલી સાડીવાળાં બહેન કોણ છે ?”
એ સુષ્મા સ્વરાજ છે. લોકસભામાં વિરોધ પક્ષનાં નેતા.
એટલે લોકસભામાં કૌરવો પણ છે ?”
ભગવાનઅહીં લોકસભામાં પાંડવો કોણ છે અને કૌરવો કોણ છે તે નક્કી કરવું મુશ્કેલ છે. બાકી એ બહેન સારાં છે.
ભગવાન પૂછે છે : એ મહિલા પાસે કાળી બંડી પહેરીને બેઠેલા ટાલવાળા વૃદ્ધ કોણ છે ?”
ભગવાન ! એ એલ. કે. અડવાણી છે. અવગતિયો જીવ છે. એમણે રામ અને કૃષ્ણ બેઉ નામ રાખ્યા છે. રામનું મંદિર બનાવવા યાત્રાઓ કાઢી છે, પણ પછી ભગવાનને ભૂલી ગયા છે.
ઠીક છે, પણ પેલા લાંબી બાંયના ઝભ્ભાવાળા ભાઈ કોણ છે ?”
પ્રભુ, તેમનું નામ લાલુ પ્રસાદ યાદવ છે. યાદવ હોવા છતાં આપની પ્રિય ગાયોનું ઘાસ પોતે જ ખાઈ ગયા છે.
અને ઝભ્ભા ધોતીવાળા બીજા પેલા ભાઈ કોણ છે ?”
પ્રભુ, તે મુલાયમસિંહ યાદવ છે. તેઓ હિન્દુ હોવા છતાં કેટલાંક તેમને મુલ્લાં મુલાયમ કહે છે.
પણ, આ લોકો આટલી બધી બૂમાબૂમ કેમ કરે છે ભારત વર્ષ પર કોઈ આક્રમણ થયું છે ?”
ના, પ્રભુ ના. ભારતમાં હમણાં લોકપાલ બિલ આવવાનું છે તેના મુદ્દે ઝઘડે છે.
લોકપાલ તો હું જ છું. બ્રહ્માજીએ બ્રહ્માંડનું સર્જન કર્યું. તે પછી હું જગતનો નિયંતા છું. આ નવો લોકપાલ કોણ છે ?”
પ્રભુ, તમે હવે અહીં આઉટ ઓફ ડેટ છો. તમને લોકોના પાલનહર્તા કોઈ સમજતું નથી. આ જરા ટેક્નિકલ બાબત છે. ભારત વર્ષમાં ભ્રષ્ટાચાર વધી ગયો છે તેનું નિયંત્રણ કરવા એક વ્યક્તિની નિમણૂક થવાની છે. તેને લોકપાલ કહે છે.
નારદજી, આ ભ્રષ્ટાચાર શું છે ?”
પ્રભુ, આપણે દિલ્હીના વિમાની મથકે ઊતર્યા પછી તમારા સોનાના મુગુટ પર ટેક્સ ના ભરવો પડે તે માટે મેં ૧૦૦ ડોલરની નોટ આપી તેને અહીંના લોકો ભ્રષ્ટાચાર કહે છે. રસ્તામાં તમે લાલ લાઈટ છતાં ગાડી દોડાવી મૂકી તેથી મેં પોલીસને ૧૦૦ની નોટ આપી તેને અહીં ભ્રષ્ટાચાર કહે છે.
ઓહ !ભગવાન બોલ્યા : મને અહીં મજા આવતી નથી. ચાલો ઊઠો આપણે બહાર જઈએ !
નારદજી ભગવાનને લઈને બહાર જાય છે. ભગવાન મોટરકાર દોડાવી મૂકે છે. દિલ્હીમાં એક જગાએ ઘણી ભીડ જોઈ ભગવાન રથ થોભાવે છે. ભગવાન પૂછે છે : નારદજી, અહીં આટલા બધાં લોકોની ભીડ કેમ છે ?”
પ્રભુ, આ બંદીગૃહ છે.
એટલે કે મામા કંસે અમારા પિતાશ્રી અને માતુશ્રીને રાખ્યાં હતાં તે ? ચાલો આપણે અંદર જઈ દર્શન કરી આવીએ.
પ્રભુ, આ મથુરાની જેલ નથી, પણ દિલ્હીની તિહાડ જેલ છે અને તમારે અંદર જવું હોય તો મારી પાસે હવે પૈસા નથી.
ઠીક છે, પણ અહીં આટલા બધા માણસો ચીસો કેમ પાડે છે ? શું મામા કંસ અંદર કોઈની પર સીતમ ગુજારે છે ?”
ના, પ્રભુ ના. જેલની ભીતર અણ્ણા હઝારે નામના એક વૃદ્ધ ઉપવાસ કરી રહ્યા છે.
જન્માષ્ટમી તો પતી ગઈ. આજે તો પારણાંનો દિવસ છે. ચાલો હું મારા સ્વહસ્તે મારા એ ભક્તને પારણાં કરાવું.
પ્રભુ, આ જન્માષ્ટમીના નહીં, પરંતુ કોઈ ચોક્કસ હેતુવાળા પોલિટિકલ ઉપવાસ છે. લોકપાલ માટેના ઉપવાસ છે. ર્ધાિમક ઉપવાસ નથી. ભ્રષ્ટાચાર ખતમ કરવા માટેના ઉપવાસ છે.
અણ્ણા કોઈ સારા માણસ લાગે છે.
આપની વાત સાચી, પરંતુ અણ્ણાની પરિસ્થિતિ કૌરવોની સેનામાં આશ્રય લઈ રહેલા ભીષ્મ પિતામહ અને દ્રોણાચાર્ય જેવી છે.
હું સમજ્યો નહીં.
પ્રભુ, અણ્ણા ઉપવાસ કરી રહ્યા છે, પરંતુ તેમની આસપાસ જે લોકો છે તેમના આશયો ગુપ્ત અને જુદા છે. તેઓ કોઈનો ગુપ્ત એજન્ડા પાર પાડી રહ્યા છે.
ઓહો, આ તો મહાભારતના યુદ્ધ જેવી રાજનીતિ છે એમ ને ? મારે એ બધાને જોવા છે.
તો પ્રભુ આપણે રામલીલા મેદાન પર જવું પડશે.એમ કહી નારદજી ભગવાનને દિલ્હીના રામલીલા મેદાન પર લઈ જાય છે. દૂર મીડિયા સેન્ટર પાસે ઊભા રહી તમાશો નિહાળે છે. ભગવાન પૂછે છે : પેલા યુવાન લાગતા ભાઈ કોણ છે ?”
એ અરવિંદ કેજરીવાલ છે. તેઓ એક્ટિવિસ્ટ છે. અણ્ણા હાર્ડવેર છે, કેજરીવાલ સોફ્ટવેર છે.
નારદજી, આજકાલ તમે અંગ્રેજીમાં બહુ બોલો છો.
પ્રભુ, હમણાં દિલ્હીનાં છાપાં બહુ વાંચું છું ને !
પેલા ચશ્માંવાળા ટકલુ કોણ છે ?”
પ્રભુ, તે પ્રશાંત ભૂષણ નામના વકીલ છે. પિતા-પુત્રએ સિવિલ સોસાયટી નામની સંસ્થા બનાવી જાતે જ બની બેઠેલા ભારત વર્ષના ઉદ્ધારક છે.
તો આપણે એમને મળીએ.
પ્રભુ, પ્રશાંત ભૂષણના પિતા શાંતિ ભૂષણ કોઈ કાનૂની વાત કરવી હોય તો પ્રથમ મીટિંગ કરવાના જ ૫૦ હજાર લે છે.
તેની રસીદ આપે છે ?” એ ખબર નથી.
તો આ લોકો ભ્રષ્ટાચાર કેવી રીતે દૂર કરશે ?”
એ તો પ્રભુ એ લોકો જ જાણે.
પણ પેલા અણ્ણા હજુ સુધી કેમ દેખાતા નથી ?”
ભગવાન, દિલ્હીની ટેલિવિઝનની ચેનલોવાળા આવી જાય તે પછી જ જાહેરમાં દેખાશે. અણ્ણા બહારથી દેખાય છે ગાંધીજી જેવા, પણ ભીતરથી રાજકારણી અને પબ્લિસિટીના શોખીન છે. આખું આંદોલન ટી.વી. કેમેરા માટે જ અને કેમેરા સામે થિયેટરમાં ભજવાતાં દૃશ્યોની જેમ ચાલે છે.
તો દિલ્હીની સરકાર શું કરે છે ? તેમને રાજનીતિ આવડતી નથી ?”

પ્રભુ, દિલ્હીની યુ.પી.એ. સરકાર થોથવાઈ ગઈ છે. કપિલ સિબ્બલ અને ચિદમ્બરમ્ નામના બે વકીલોએ રાજકીય પ્રશ્ન કાયદાથી હલ કરવા પ્રયાસ કર્યો તેમાં બફાઈ ગયું છે. રાજ કરવાવાળા પણ ભ્રષ્ટ છે, વિરોધ કરવાવાળા પણ ભ્રષ્ટ છે અને અણ્ણાની આસપાસની મંડળી પણ સંશયથી પર નથી.
ઓહ, આ તો ધર્મની ગ્લાનિ થઈ.ભગવાન ખેદ વ્યક્ત કરે છે.
નારદજી કહે છે : પ્રભુ, માટે જ હું કહું છું કે હવે ભારત વર્ષમાં આપે ફરી જન્મ લેવાનો સમય આવી ગયો છે. આ તો મેં થોડુંક જ દર્શાવ્યું. બાકી ક્યાંક ગાયોની કતલ થઈ છે. ક્યાંક નિર્દોષ બાળકોનાં બલિ ચડાવાય છે. ક્યાંક સાધુના વેશમાં તાંત્રિકો સ્ત્રીઓ સાથે વ્યભિચાર કરે છે. ક્યાંક બોમ્બ ધડાકા થાય છે. ક્યાંક લોકોને જીવતા સળગાવાય  છે. કોઈ બળાત્કાર કરે છે તો કોઈ લૂંટફાટ કરે છે. હવે તો જેલોમાં પણ જગા નથી. ભારત વર્ષમાં વૃક્ષોનું છેદન થઈ રહ્યું છે. પૃથ્વી પર ગરમી વધી રહી છે. જગતનો તાત ગણાતો ખેડૂત દુઃખી છે. ગોપાલક દુઃખી છે. દરિદ્રનારાયણ દુઃખી છે.
નારદજી, મને વિચાર આવે છે કે ૨૦૧૪માં આવનારી ચૂંટણીઓ પહેલાં આપણે જ પક્ષ સ્થાપીએ અને તે પછી ચૂંટણી લડી વડા પ્રધાન બની જઈએ તો ?”
પ્રભુ, એ રહેવા દો.” “કેમ ?”
ભારતમાં આખા પક્ષને સત્તા પર લાવી વડા પ્રધાન બનવું હોય તો રૂ. ૫૦,૦૦૦ કરોડનું ચૂંટણીફંડ જોઈએ. બોલો તમારી પાસે છે એટલા ?”
નારદજી, મારી પાસે તો વાંસળી છે.
વાંસળી વગાડવાથી ચૂંટણી ના જીતાય. ચૂંટણી જીતવી હોય તો લોકોને દારૂ પીવડાવવો પડે, રંગીન ટી.વી. વહેંચવા પડે, વાસણો વહેંચવા પડે, પૈસા વહેંચવા પડે. હિન્દુઓને મુસ્લિમો સામે અને મુસ્લિમોને હિન્દુઓ સામે ઉશ્કેરવા પડે. ઉશ્કેરણીજનક ભાષણ કરતાં આવડવું જોઈએ. વાંસળી વગાડવાથી તો કળિયુગમાં ગાયો પણ આવતી નથી. એટલે ચૂંટણી લડવાનો વિચાર પડતો મૂકો. ચાલો આપણે દેવલોકમાં પાછા જઈએ. રુક્મણિજી રાહ જોતાં હશે. ગઈકાલના ઉપવાસ પછી મને તો બહુ જ ભૂખ લાગી છે. દેવી રુક્મણિજીએ સરસ રસોઈ બનાવી હશે. મારાથી ભૂખ્યા રહેવાતું નથી. હું અણ્ણા નથી. ચાલો પાછા.
ભગવાન હસે છે અને એક ભવ્ય ઓડી કાર ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ તરફ દોડતી જણાય છે.